પશુ આહારમાં ભેળસેળ કરનારા સામે કડક કાર્યવાહી: વિધાનસભામાં ‘પશુધન આહાર-ચણ બિલ’ પસાર, લાયસન્સ ફરજિયાત
ગુજરાત વિધાનસભામાં પશુધન આહાર-ચણ બિલ પસાર ગુજરાત વિધાનસભાના ગૃહમાં પશુપાલન ક્ષેત્રને પ્રોત્સાહન આપવા અને આહારની ગુણવત્તા જાળવવા માટે પશુધન આહાર-ચણ બિલ સાડા ત્રણ કલાકની સંવેદનશીલ ચર્ચા બાદ પસાર કરવામાં આવ્યું છે. WHO ની વિચારધારા પર આધારિત આ વિધેયકનો મુખ્ય હેતુ પશુઓ અને મરઘાંના ખોરાકમાં થતી ભેળસેળ અટકાવવાનો છે. આ કાયદા હેઠળ હવેથી પશુ આહાર અને મરઘાંના ચણના વ્યવસાય માટે લાયસન્સ મેળવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
ગુણવત્તા તપાસ, દંડ અને સજાની કડક જોગવાઈઓ
નવા કાયદા મુજબ બજારમાં વેચાતા પશુ આહારનું સમયાંતરે ચેકિંગ કરાશે અને ભ્રામક બ્રાન્ડિંગ કે ગેરમાર્ગે દોરતી જાહેરાતો સામે લેબલિંગના નિયમો લાગુ થશે. જો કોઈ વેપારી ભ્રામક માહિતી આપશે તો તેને રૂ. ૩ લાખ સુધીનો દંડ અને 1 વર્ષ માટે લાયસન્સ સસ્પેન્ડ થઈ શકે છે. ઉપરાંત, ભેળસેળયુક્ત કે હાનિકારક આહારના કારણે પશુનું મૃત્યુ થાય તો રૂ. 10 લાખ સુધીનો દંડ અને લાયસન્સ રદ કરવાની કડક જોગવાઈ રાખવામાં આવી છે.
ખેડૂતોને કાયદામાંથી મુક્તિ અને સર્વસંમતિથી સમર્થન
આ કાયદામાં પોતાના પશુઓ માટે ઘરે જ આહાર (દાણ) તૈયાર કરતા ખેડૂતોને લાયસન્સ પ્રક્રિયામાંથી સંપૂર્ણ બાકાત રાખવામાં આવ્યા છે. ગૃહમાં આ બિલ રજૂ કરતી વખતે ગુજરાતને શ્વેત ક્રાંતિનું પાટનગર ગણાવીને બનાસ ડેરી દ્વારા કરાતી વૈશ્વિક તૈયારીઓનો ઉલ્લેખ કરાયો હતો. આ બિલને સત્તાધારી પક્ષ ઉપરાંત વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) તરફથી પણ સંપૂર્ણ સમર્થન સાંપડ્યું હતું.
AMC દ્વારા શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે કડક કાર્યવાહી
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા નોટિસ આપવા છતાં યોગ્ય જવાબ ન આપનાર કોન્ટ્રાક્ટર કંપની શ્રીજી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સામે લાલ આંખ કરવામાં આવી છે. બે-બે વાર આપેલી નોટિસ બાદ પણ કંપની મૌન રહી હોવાથી અને કામગીરીમાં બેદરકારી દાખવી હોવાથી તેને બ્લેકલિસ્ટ કરી દેવામાં આવી છે.
જમીન મ્યુટેશન પ્રક્રિયા સરળ કરવા ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય
રાજ્ય સરકારે જમીનના મ્યુટેશન (હક્કફેરફાર) ના નિયમોમાં સુધારા કરીને ખેડૂતો અને જમીનમાલિકોને મોટી રાહત આપી છે. નવી વ્યવસ્થા મુજબ જો ૭/૧૨ ના ઉતારા અને હકપત્રકમાં સતત એક વર્ષથી એક જ વ્યક્તિનું નામ નોંધાયેલું હોય અને ત્યારબાદ વેચાણ દસ્તાવેજ થાય, તો જરૂરી પ્રક્રિયા પૂર્ણ થતાં જ તે જ દિવસે મ્યુટેશન એન્ટ્રી મંજૂર કરી દેવામાં આવશે.
વિવાદિત કેસોમાં ઝડપી નિકાલ અને 135 -B નોટિસમાંથી મુક્તિ
અગાઉ વિવાદિત કેસોમાં મ્યુટેશન મંજૂર કરવા માટે 30 દિવસનો સમય લાગતો હતો, જેના બદલે હવે માત્ર 7 દિવસની મર્યાદા નક્કી કરવામાં આવી છે. આ ઉપરાંત SSRD, GRT, હાઈકોર્ટ કે અન્ય સક્ષમ સત્તાધિકારીનો આદેશ હોય તેવા કિસ્સામાં 135 -B ની નોટિસ આપવાની જરૂર રહેશે નહીં અને આદેશની અસલ નકલ રજૂ કરાતાની સાથે જ એન્ટ્રી મંજૂર થઈ જશે.
ખેડૂતોની હેરાનગતિ અને ભ્રષ્ટાચાર પર અંકુશ
મ્યુટેશનની 30 દિવસની મુદતનો ગેરલાભ ઉઠાવીને ખેડૂતો પાસે પૈસા પડાવવાની અને બિનજરૂરી હેરાન કરવાની ફરિયાદો પર આ નિર્ણયથી સીધો અંકુશ આવશે. આ કાયદાકીય સુધારાથી ખેડૂતોને કલેક્ટર કચેરી કે કોર્ટના ધક્કામાંથી મુક્તિ મળશે અને સરકારી તંત્ર પરનો કાર્યભાર પણ ઘણો ઓછો થશે.
