1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Assembly Monsoon Session

ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રારંભ: પ્રથમ દિવસે પ્રશ્નોત્તરી બાદ દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપી ગૃહ મુલતવી રખાશે

gujarat vidhansabha Monsoon session
gujarat vidhansabha Monsoon session
ગુજરાત વિધાનસભાના ત્રણ દિવસીય ચોમાસુ સત્રની આજથી ગાંધીનગર ખાતે સત્તાવાર શરૂઆત થઈ રહી છે. બપોરે 12 વાગ્યે ગૃહની કાર્યવાહીનો પ્રારંભ થશે, જેમાં પ્રથમ એક કલાક પ્રશ્નોત્તરી કાળ માટે ફાળવવામાં આવ્યો છે. આ સમયગાળા દરમિયાન વિવિધ ક્ષેત્રો અને વિભાગોને લગતા ધારાસભ્યોના અગત્યના પ્રશ્નોના ઉત્તરો સરકાર તરફથી આપવામાં આવશે.

 

પ્રથમ દિવસે શોક પ્રસ્તાવ અને ગૃહ મુલતવી

પ્રશ્નોત્તરી કાળ પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી દ્વારા ગૃહમાં શોક દર્શક ઉલ્લેખ રજૂ કરવામાં આવશે. જેમાં પૂર્વ મંત્રી તથા ધારાસભ્ય યોગેશ પટેલ અને મોહનસિંહ રાઠવા સહિત પાંચ દિવંગત સભ્યોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. આ શોક પ્રસ્તાવ રજૂ કર્યા બાદ અને દિવંગત આત્માઓને આદર આપ્યા પછી પ્રથમ દિવસની ગૃહની કામગીરી મોકૂફ રાખવામાં આવશે.
 

ગાંધીનગરમાં શાસક પક્ષની મહત્વની બેઠક

સત્રની કાર્યવાહી શરૂ થાય તે પહેલાં સવારે 10  વાગ્યે ગાંધીનગર ખાતે શાસક પક્ષની એક વિશેષ બેઠક યોજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા સહિત મંત્રીમંડળના સભ્યો અને તમામ ધારાસભ્યો હાજરી આપશે.
 

સત્રની રણનીતિ અને કામકાજ અંગે ચર્ચા

શાસક પક્ષની બેઠકમાં સત્રના ૩ દિવસ દરમિયાન હાથ ધરવામાં આવનારા વિવિધ સરકારી કામકાજો અને રજૂ થનારા વિધેયકો અંગે વિસ્તૃત ચર્ચા થશે. આ ઉપરાંત, વિપક્ષ દ્વારા ગૃહમાં ઉઠાવવામાં આવનારા સંભવિત મુદ્દાઓ અને સવાલો સામે સરકાર તરફથી કેવી રીતે પ્રત્યુત્તર આપવો તેની રણનીતિ પણ ઘડવામાં આવશે.

 

સાંજે યોજાનારી કેબિનેટ બેઠકનું આયોજન

શાસક પક્ષની બેઠક અને ગૃહની કામગીરી બાદ સાંજે ૫ વાગ્યે સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ બેઠક મળશે. દિવસ દરમિયાનની વ્યસ્તતાને કારણે આ બેઠક સાંજના સમયે રાખવામાં આવી છે. આ બેઠકમાં રાજ્યના વર્તમાન પ્રશ્નો અને વિવિધ નીતિગત વિષયો અંગે ગંભીરતાથી ચર્ચા-વિચારણા કરવામાં આવશે.
 

વરસાદ, પાણી અને સિંચાઈની સ્થિતિની સમીક્ષા

કેબિનેટ બેઠક દરમિયાન મુખ્યત્વે રાજ્યમાં હાલની વરસાદની સ્થિતિ, પીવાના પાણીની ઉપલબ્ધતા અને સિંચાઈના પાણીની વર્તમાન પરિસ્થિતિ અંગે સમીક્ષા કરવામાં આવશે. આ સાથે જ વિધાનસભા સત્ર દરમિયાન રજૂ થનારા નવા વિધેયકો અને રાજ્ય સરકારના આગામી મહત્વપૂર્ણ કાર્યક્રમો અંગે પણ બેઠકમાં આખરી નિર્ણય લેવાશે.
 
આગળનો લેખ
ગુજરાતમાં મેઘરાજાના બીજા રાઉન્ડની તૈયારી: 12 સપ્ટેમ્બર થી બંગાળની ખાડીની સિસ્ટમ સક્રિય થતાં ભારે વરસાદની આગાહી