મંગળવાર, 15 ઑક્ટોબર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 ઑગસ્ટ 2020 (10:02 IST)

ઓગસ્ટમાં આવનાર તમામ તહેવારો પર કોરોનાનું ગ્રહણ, રાજ્ય સરકારનો નિર્ણય

રાજ્યમાં પ્રવર્તી રહેલ કોરોનાની મહામારીને ધ્યાને રાખી વિવિધ પદયાત્રા- સંઘો, સેવા કેમ્પના આયોજકો તેમજ ગણપતિ મહોત્સવ મંડળો તરફથી આ વર્ષે આ પ્રકારના તહેવારોમાં જાહેર ઉજવણી ન કરવા અનેક રજૂઆતો મળેલી હતી. જેને ધ્યાનમાં રાખીને તેમજ  રાજ્યના નાગરિકોના આરોગ્યના હિતમાં આગામી દિવસોમાં આવતા તમામ પ્રકારના ધાર્મિક તહેવારોની જાહેર ઉજવણી અને લોક મેળાઓ પર પ્રતિબંધ મુકવા રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે. 
 
પ્રદિપસિંહ જાડેજાએ જાડેજાએ ઉમેર્યું કે, કોરોના સંક્રમણ મુદ્દે અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં સંક્રમણનું પ્રમાણ ઘટાડવામાં સફળતા મળી છે. એમા પણ વ્યાપક જનસહયોગ મળ્યો છે એવો જ સહયોગ આગામી સમયમાં અવિરતપણે મળશે તો ચોકકસ આપણે સંક્રમણને આગળ વધતું અટકાવી શકીશું એવો મને દ્રઢ વિશ્વાસ છે.
 
આ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો,  ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ - તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે. આ વર્ષે કોરોનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો ન યોજવા રાજય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.
 
તેમણે ઉમેર્યુ હતું કે, ભાદરવી પૂનમ અંબાજીના મેળા સંદર્ભે પણ પગપાળા સંઘો તરફથી  પદયાત્રા નહી યોજવા માટે રજૂઆતો મળી છે. એ તમામ લોકોની રજૂઆતો અમે સાંભળી છે અને તેઓની રજૂઆત ધ્યાને લઇને હાલની પરિસ્થિતિને અનુરૂપ રહી કોરોનાના કાળમા પગપાળા સંઘ નહી કાઢવા અને સેવાકેન્દ્રો ન ખોલવા માટે સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. 
 
એ જ રીતે ગણપતિ મહોત્સવમાં પણ લોકો માટીની મૂર્તિનુ પોતાના ઘરમાં જ સ્થાપન અને વિસર્જન કરે તેમજ આ વેળાએ યોગ્ય સોશ્યલ ડિસ્ટન્સ જાળવે તેવી અપીલ છે. આ તમામ તહેવારોમાં નાગરિકોનો વ્યાપક જન સહયોગ મળી રહેશે તો ચોકકસ સંક્રમણ ઘટશે એવો મને વિશ્વાસ છે. આગામી સમયમા આવતા તમામ તહેવારોમા કોરોનાનું સંક્રમણ વધુ ન ફેલાય તે માટે તમામ તકેદારી રાખી તહેવારો ઉજવવા નાગરિકોને અપીલ કરી છે.