સોમવાર, 4 ડિસેમ્બર 2023
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 ઑગસ્ટ 2020 (17:35 IST)

ગુજરાતમાં ઓગસ્ટમાં આવતા તમામ ધાર્મિક તહેવારોની ઉજવણી પર પ્રતિબંધ

કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે રાજ્યમાં ગણેશ મહોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ અને મુસ્લિમોના તમામ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાની રાજ્યના ગૃહમંત્રીએ જાહેરાત કરી છે. જેને પગલે પહેલીવાર અંબાજીની પદયાત્રા નહીં યોજાય. વડોદરાના નજીક કંડારી ખાતે 71માં વન મહોત્સવ કાર્યક્રમમાં આવેલા રાજ્યના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આ અંગે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવશે. રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, કોરોના સંક્રમણના વ્યાપને અટકાવવા માટે એક માત્ર માર્ગ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે. સમગ્ર ગુજરાતના ગણેશ મંડળો, પદયાત્રા મંડળો, મુસ્લિમ સંગઠનો દ્વારા કોરોનાની મહામારીમાં આગામી દિવસોમાં આવી રહેલા ગણેશોત્સવ, તાજીયા સહિત ઓગસ્ટ માસના તમામ નાના-મોટા તહેવારો ઉજવવામાં ન આવે તેવી સરકારને રજૂઆતો કરવામાં આવી હતી. આ સાથે રાજ્ય સરકારને પણ લાગ્યું કે, તહેવારોમાં લોકો ભેગા થશે તો કોરોના સંક્રમણ વધશે. જેથી ગણેશોત્સવ સહિત ઓગસ્ટ માસમાં આવતા હિન્દુ-મુસ્લિમ તહેવારોની ઉજવણી ઉપર પ્રતિબંધ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જે મંડળો, પરિવારને ગણપતિ બેસાડવા હોય તેઓ પોતાના ઘરમાં બેસાડે અને તેનું વિસર્જન પણ પોતાના ઘરમાં કરે. કોઇ પણ પ્રકારની શોભાયાત્રા કાઢી શકાશે નહીં. તેજ રીતે તાજીયાના પણ ઝુલુસ કાઢી શકાશે નહીં. આ ઉપરાંત કોઇપણ જાહેર તહેવારો સામૂહિક રીતે ઉજવી શકાશે નહીં. જે અંગેનું જાહેરનામું આગામી ટુંક દિવસમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, ઓગસ્ટ માસમાં આવતા તહેવારો જેવા કે જન્માષ્ટમી, પર્યુષણ પર્વ, શ્રાવણી અમાસનો મેળો, તરણેતરનો મેળો, ગણપતિ ઉત્સવ, રામાપીરનો મેળો, ભાદરવી પૂનમનો મેળો તેમજ તેના આનુષાંગિક પગપાળા સંઘો, પદયાત્રીકોના માર્ગમાં યોજાતા સેવા કેમ્પો અને મહોરમ-તાજીયાના જુલુસ તથા શોભાયાત્રા અને વિસર્જન વગેરે જેવા આસ્થાના પ્રતિક સમા તહેવારો અને લોકમેળાઓ યોજાતા હોય છે. આ વર્ષે કોરોનાના કપરા કાળમાં લોકોનું આરોગ્ય જળવાઈ રહે અને લોકો સ્વસ્થ રહે એ માટે આ તહેવારોમાં જાહેર ધાર્મિક કાર્યક્રમો અને ઉત્સવો ન યોજવા રાજ્ય સરકાર દ્વારા અપીલ કરાઈ છે.