બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑગસ્ટ 2020 (13:03 IST)

પેટાચૂંટણીની આઠમાંથી ચાર બેઠકો માટે નવા નિમાયેલ ભાજપ અધ્યક્ષની મુલાકાત શરૂ

ગુજરાત ભાજપના અધ્યક્ષ સી આર પાટીલ આવતા અઠવાડિયે સૌરાષ્ટ્રના પ્રવાસે જઇ રહ્યા છે. પ્રદેશ પ્રમુખ બન્યા બાદ પાટીલ પ્રથમવાર મુખ્યમંત્રી રૂપાણીના ગઢ ગણાતાં સૌરાષ્ટ્રમાં જઇ ત્યાં જિલ્લે-જિલ્લાના કાર્યકર્તાઓ અને સંગઠનના નેતાઓને મળશે. સૂત્રોના જણાવ્યા અનુસાર સી આર અહીંના કેટલાંક આર એસ એસ સાથે સંકળાયેલાં નેતાઓને પણ મળવાના છે. સૂત્રોના જણાવ્યા અનુસાર સાતમ-આઠમના તહેવાર બાદ સપ્તાહના અંતિમ દિવસોમાં પાટીલ સૌરાષ્ટ્ર પ્રવાસની શરુઆત સોમનાથ મંદિરે દર્શન કરીને કરશે. અહીંથી તેઓ જૂનાગઢ, અને રાજકોટમાં રોકાશે. આ દરમિયાન તેઓ સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લાના નેતાઓને અલગ-અલગ જૂથમાં મળશે. જો કે આ મુલાકાત દરમિયાન ખૂબ મોટા ટોળામાં લોકોને મળવાને બદલે પાટીલે ચુનંદા લોકોને જ મળશે. સૌરાષ્ટ્ર-કચ્છના લોકોને મળ્યા બાદ તરત જ સી આર ગુજરાતમાં પ્રદેશ માળખાની પોતાની ટીમની જાહેરાત કરે તેવી શક્યતા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ પ્રવાસના કાર્યક્રમની ડીટેઇલ્સ બની રહી છે અને તે ખૂબ ઝીણવટભરી બાબતોના વિચાર સાથે તૈયાર થશે. આ ઉપરાંત ચૂંટણીલક્ષી ચર્ચા માટે અને સંગઠનની બાબતની ચર્ચા માટે કોને-કોને મળવું તે અંગેની પણ એક યાદી તૈયાર થઇ રહી છે. સી આર પાટીલે આ જવાબદારી પક્ષના વરિષ્ઠ નેતા અને ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાને સોંપી છે.