1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 28 સપ્ટેમ્બર 2021 (16:42 IST)

સાવધાન ગુલાબ વાવાઝોડુ આવી રહ્યુ છે, આંધ્રપ્રદેશમાં હાઈ એલર્ટ, જાણો ગુજરાતને કેવી રીતે અસર કરશે?

બંગાળની ખાડીમાં વાવાઝોડું 'ગુલાબ' સર્જાયું છે અને તેનો ખતરો ઓડિશા અને આંધ્ર પ્રદેશ પર તોળાઈ રહ્યો છે. ગુલાબ વાવાઝોડાને કારણે આંધ્ર પ્રદેશ અને ઓડિશાના તટીય વિસ્તારોમાં ભારે વરસાદ શરૂ થયો છે.
 
સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ શ્રીકાકુલમના જૉઇન્ટ કલેક્ટર સુમિત કુમારે કહ્યું કે "આવનારા બે કલાક અગત્યના છે. સંભાવના છે કે 90-100 કિલોમિટર પ્રતિકલાકની ગતિએ પવન ફૂંકાય. એનડીઆરએફની બે ટીમો અને એસડીઆરએફની ચાર ટીમો અહીં પહોંચી ગઈ છે. ભારે વરસાદને કારણે પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે."
 
બીજી તરફ આંધ્ર પ્રદેશના વજ્રપુકોટ્ટુરુના સબ ઇન્સપેક્ટર ગોવિંદરાવે કહ્યું કે શ્રીકાકુલમમાંથી પાંચ માછીમારો સમુદ્રમાં ગયા હતા અને ઊંચી લહેરો ઊઠતા તેઓ દરિયામાં ફસાઈ ગયા હતા અને તેમને બચાવવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.
 
ઓડિશાના એસઆરસી પીકે જેનાએ સમાચાર સંસ્થા એએનઆઈને જણાવ્યું કે ગુલાબ વાવાઝોડાને કારણે ઓડિશામાં 16 હજાર ગામોને ખાલી કરાવાયાં છે.
 
અરબ સાગરમાં સર્જાતાં વાવાઝોડાં સીધી રીતે ગુજરાતને અસર કરતાં હોય છે.
 
જોકે, આ વાવાઝોડું ભલે બંગાળની ખાડીમાં સર્જાયું હોય, પરંતુ તે ગુજરાતને પણ પરોક્ષ રીતે અસર કરશે.
 
એ પણ જાણવું જરૂરી છે કે ગુજરાતને ગુલાબ વાવાઝોડું કેવી રીતે અસર કરશે? તેનાથી કયા વિસ્તારોને અસર થશે અને વાવાઝોડાની સ્પીડ કેટલી હશે?
 
ગુલાબ વાવાઝોડું ગુજરાતને કેવી રીતે અસર કરશે?
 
સપ્ટેમ્બર મહિનામાં બંગાળની ખાડીમાં આટલી ઝડપે વાવાઝોડું સર્જાય, એ ભાગ્યે જ બનતી ઘટના છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ગુલાબ વાવાઝોડું ઉત્તર આંધ્ર પ્રદેશ અને દક્ષિણ ઓડિશાના દરિયાકિનારા વચ્ચે ત્રાટકે તેવી શક્યતા છે.
 
રવિવારે સાંજ બાદ વાવાઝોડું સોમવારે નબળું પડશે અને પછી તે ડિપ્રેશનમાં ફેરવાય તેવી શક્યતા છે. આ ડિપ્રેશન ત્યાંથી આગળ વધશે. મંગળવારે સવારે તે મધ્ય પ્રદેશના દક્ષિણ ભાગ સુધી પહોંચશે. આ સિસ્ટમ કદાચ થોડી નબળી પડી શકે, પરંતુ તે આગળ વધવાનું ચાલુ રાખશે અને બુધવારે તે ગુજરાત પહોંચી જશે.
 
એટલે બંગાળની ખાડીનું વાવાઝોડું નબળું પડીને વરસાદી સિસ્ટમ બની જશે અને આ સિસ્ટમ ગુજરાત પર આવશે, જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. એટલે કે ગુલાબ વાવાઝોડાના કારણે ગુજરાતમાં બેથી ત્રણ દિવસ સુધી અનેક સ્થળોએ અતિભારે વરસાદ પડવાની શક્યતા છે.
 
ગુજરાતમાં ક્યાં પડશે વરસાદ?
 
વાવાઝોડા બાદ ચોમાસાની સિસ્ટમ ગુજરાત તરફ આવશે, જેથી મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના ઘણા વિસ્તારોમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. 
 
હાલની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં બુધવારે સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. જોકે, પવનની ગતિ કે સિસ્ટમમાં ફેરફાર થાય તો વરસાદની સ્થિતિમાં ફરક પડી શકે છે. મહારાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ઍલર્ટ જારી કરવામાં આવી છે, કેમ કે અહીં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
 
વાવાઝોડાની ગતિ કેટલી હશે?
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રવિવારે સાંજે આ વાવાઝોડું આંધ્ર પ્રદેશ અને ઓડિશાના દરિયાકિનારે ત્રાટકશે. ગુલાબ વાવાઝોડાનો જે વિસ્તાર પર વધારે ખતરો છે તે વિસ્તારોમાંથી પૂર્વ તૈયારી રૂપે હાલ લોકોને ખસેડવાની કામગીરી ચાલી રહી છે. ગુલાબ વાવાઝોડું આ વર્ષનું બીજું વાવાઝોડું છે, જે ઓડિશા પર ત્રાટકશે. માત્ર ચાર મહિના પહેલાં યાસ નામનું વાવાઝોડું ઓડિશા પર ત્રાટક્યું હતું.
 
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આ વાવાઝોડું જ્યારે ત્રાટકશે, ત્યારે પવનની ગતિ 75થી 85 કિલોમિટર પ્રતિ કલાકની હશે. જે વધી 95 કિલોમિટર પ્રતિ કલાક સુધી થઈ શકે છે. વાવાઝોડાના ખતરાને જોતાં કેટલાક વિસ્તારોમાં સાવચેતીનાં પગલાં લેવાઈ રહ્યાં છે.