રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By રીઝનલ ડેસ્ક|
Last Modified: બુધવાર, 28 ઑગસ્ટ 2019 (12:49 IST)

વીજળીના વાયરમાં ફસાયેલી ગણેશજીની મૂર્તિ કાઢતાં આઠ યુવાનોને કરંટ લાગ્યોઃ બેના મોત

ગણેશોત્સવ પૂર્વે શ્રીજીની વિશાળ પ્રતિમાને પંડાલમાં લાવી રહેલા યુવક મંડળના આઠ યુવાનો સાગમટે વીજ કરંટ લાગ્યો હોવાની ઘટના ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે બની હતી. જેમાં બે યુવાનો સ્થળ પર મોત નીપજ્યા હતા. જ્યારે છને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાં કેટલાકની હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે.  

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના ગુજરાત હાઉસિંગ બોર્ડના જીએચબી ગ્રુપ દ્વારા સુરત થી ૨૬ ફૂટ ઊંચી શ્રીજી પ્રતિમા મંગાવવામાં આવી હતી. અંકલેશ્વરના અન્સાર માર્કેટ પાસે ન્યુ ઇન્ડિયા આદર્શ માર્કેટ ખાતે ગોડાઉનમાં મૂકી તેને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. જે તૈયાર થઇ જતા ચાર ફૂટની ટ્રોલી પર મૂકી આજરોજ લાવવામાં આવી રહી હતી. તે દરમિયાન આદર્શ માર્કેટ ખાતે પસાર થતી હાઈટેન્શન લાઈનમાં મૂર્તિનું માથું ફસાય જતા બાંબુ વાસ વડે તેને દૂર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

વરસાદ વચ્ચે બાંબુ  વાસ સ્લીપ થતાં  વીજ વાયર પ્રતિમા પર પડ્યો હતો. જેના કારણે વીજ કરંટ ઉતાર્યો હતો.  જે વીજ કંરટ આઠ જેટલા યુવાનો લાગતા તેઓ ત્યાં જ ટ્રોલી અને મૂર્તિ પર ચોંટી ગયા હતા.  આ અંગેની જાણ થતાં જ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા. તેઓએ વાયર ઉંચો કરતા યુવાનોનો છુટકારો થયો હતો.  પરંતુ તે પૂર્વે બે યુવાનના મોત નીપજ્યા હતા.  જ્યારે એક યુવાનની હાલત અત્યંત ગંભીર હોવાનું જાણવા મળે છે.  અન્ય પાંચ યુવાનો પણ ઘાયલ થયા હતા. 

ઇજાગ્રસ્તોને તાત્કાલીક જયાબેન મોદી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. કેટલાક યુવાનો ઇજાગ્રસ્તોને સ્કૂટર, કારમાં બેસાડીને યુવાનો તાત્કાલીક હોસ્પિટલમાં મૂકી આવ્યા હતા.  હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા પાંચની હાલત સુધારા પર છે જ્યારે એકની હાલત ગંભીર હોવાનું સૂત્રોએ જણાવ્યા હતુ.  ઘટનાની જાણ થતાંની સાથે હોસ્પિટલ પર લોક ટોળા ઉમટી પડ્યા હતા.  શહેર પોલીસનો કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો.