શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : ગુરુવાર, 2 જુલાઈ 2020 (17:22 IST)

ઘરે ઘરે પ્રશ્નપત્રો પહોંચાડી વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે: સરકારનો માસિક પરીક્ષા લેવાનો નિર્ણય

ગુજરાતમાં શિક્ષણ વિભાગના નિર્ણયોને કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ પર વિપરીત અસર પડી રહી છે. કોલેજોની પરીક્ષામાં તો શિક્ષણ વિભાગે ફેરવી ટોળ્યું હતું અને પરીક્ષા રદ્દ કરી હવે શાળા માટેની પરીક્ષાઓ જાહેર કરી છે. તે પણ કેવી કે વિદ્યાર્થીઓને ઘરે ઘરે પ્રશ્નપત્ર પહોંચાડશે અને પોતાના બાળકની પરીક્ષા વાલીઓ લેશે અને શિક્ષકો આ ઉત્તરવહી ચકાસી માર્ક આપશે.
ગુજરાત સરકારે શિક્ષણ ના મામલે કોઇ ખાસ પ્લાનિંગ કે ગાઈડલાઈન વિના આડેધડ નિર્ણયો લેવા માટે હવે પ્રખ્યાત થઈ ગયું છે. કોલેજોની પરીક્ષા લેવાના મામલે યુ-ટર્ન લેવો પડ્યો છે, ત્યાં હવે સ્કૂલ પરીક્ષા લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જે અંતર્ગત તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી સ્કૂલોએ જુલાઈ મહિનાના અંતિમ સપ્તાહમાં માસિક પરીક્ષા લેવાનું ફરજીયાત બનાવવામાં આવ્યું છે.
શિક્ષણ વિભાગના પરિપત્ર મુજબ માસિક પરીક્ષા માસાંતે મુખ્ય ભાષા તથા ગણિતની પરીક્ષા લેવાશે. દરેક પરીક્ષા 25 માર્કસની હશે. 28મી જુલાઈ સુધીમાં સ્કૂલ સંચાલકોએ વિદ્યાર્થીઓના ઘરે પ્રશ્નપત્ર પહોંચાડવા પડશે. વાલીઓએ પ્રશ્નપત્રના આધારે પોતાની દેખરેખ હેઠળ બાળકો પાસે જવાબ લખાવવાના રહેશે. વિદ્યાર્થીઓએ લખેલી ઉતરવહીઓ 31મી જુલાઈ સુધીમાં શાળાઓ પર પહોંચતી કરવાની રહેશે. દરેક પ્રશ્નપત્રમાં પાંચ માર્કસના પાંચ પ્રશ્ન હશે.