શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 8 એપ્રિલ 2017 (11:57 IST)

કરોડોના કોલ સેન્ટર કૌભાંડનો માસ્ટર માઇન્ડ સાગર ઠક્કર મુંબઇથી ઝડપાયો

દેશમાં ગેરકાયદેસર ચાલતાં કોલ સેન્ટરના માસ્ટર માઇન્ડ સાગર ઠક્કરની મુંબઇ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. સાગર દુબઇથી મુંબઇ આવ્યો ત્યારે થાણે ક્રાઇમ બ્રાન્ચે તેને એરપોર્ટ પર ઝડપી પાડ્યો હતો. વિદેશીઓ પાસેથી પૈસા ખેરવી 500 કરોડના કોલ સેન્ટર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર સાગર ઠક્કર છેલ્લા લાંબા સમયથી ફરાર હતો. ત્યારે સૌની નજર છે એવા માસ્ટર માઇન્ડની પૂછપરચ્છમાં ઘણા ચોંકાવનારા ખુલાસાઓ થશે. મળતી પ્રાથમિક માહિતી મુજબ કોલ સેન્ટરના કૌભાંડ ખુલ્યા બાદ સાગર ઠક્કર મુંબઇ ભાગી ગયો હતો.

ત્યાં ત્રણ મહિના રોકાયા બાદ તે યુરોપના દેશમાં છુપાયો હતો. જો કે હજુ સાગર ઠક્કરની બહેન રીમા ઠક્કર પોલીસ પકડથી બહાર છે. અમેરિકન ટેક્સ ડિફોલ્ટરોને અમેરિકન ટેક્સ અધિકારીને નામે ધાકધમકી આપીને કરોડો રૂપિયા પડાવવામાં આવી રહ્યાં છે એવી માહિતીને આધારે થાણે કમિશનર પરમવીર સિંહની આગેવાનીમાં મીરા રોડમાં 4 ઓક્ટોબર, 2016ના રોજ કોલ સેન્ટરો પર દરોડા પાડીને 700 લોકોને પકડયા હતા. આમાંથી 74 લોકોની ધરપકડ કરી હતી, જ્યારે અન્યોની પ્રત્યક્ષ સંડોવણી નહીં જણાતાં છોડી દેવાયા હતા. આ કેસના સીધા તાર અમદાવાદ સાથે જોડાયા હતા. કારણ કે કોલ સેન્ટર કાંડનો મુખ્ય સૂત્રધાર સાગર અમદાવાદમાં જ રહેતો હતો અને અહીંથી જ તેને પોતાના કાળા કારોબારની શરૂઆત કરી હતી. વિદેશીઓને મુંબઈથી ફોન કરીને ધમકાવવામાં આવતા હતા. કોલ સેન્ટરોમાંથી વિદેશી ભાષામાં વાત થતી હતી. ધમકાવીને કહેતાં કે જો તમારા બેંકના દેવાના રૂપિયા 30 મિનિટમાં નહી ભરો તો થોડી વારમાં જ પોલીસ તમારા ઘરે રેડ કરશે. આ રેડમાં તમારુ ઘર, રુપિયા અને નોકરી પણ જતી રહેશે. ગભરાયને લોકો નાણા ચૂકવવા તૈયાર થઈ જતાં હતાં. ગઠિયાઓ વિદેશમાં ફોન કર્યા બાદ ફોન ચાલુ જ રખાવતા અને નજીકમાં જે સ્ટોર કે મોલ હોય ત્યાંથી કાર્ડ ખરીદવાનું કહેતા. ત્યારબાદ પ્રિપેઈડ ગીફ્ટ કાર્ડ કે આઈ ટયુન ગીફ્ટ કાર્ડ ખરીદી લેવાનું કહેતા. જેને પોતાના ખાતામાં જમા કરાવી લેતાં હતા. કરોડો રૂપિયાની કાળી કમાણી ડોલર અને પાઉન્ડ રૂપે મેળવાતી વિદેશી કરન્સની રકમ બાદમાં રૂપિયામાં કન્વર્ટ કરી દેવાતી હતી.