ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 22 ઑગસ્ટ 2020 (14:03 IST)

કોરોના મહામારીમાં બોગસ ધંધો કરનાર લોકો ચેતે, વધુ એક હેન્ડ સેનીટાઇઝરનું કૌભાંડ ઝડપાયું

કોરોના મહામારીના કપરા સમયગાળામાં સમાજમાં લોકોને ગેરમાર્ગે દોરી વગર પરવાને બોગસ ધંધો કરનાર લોકોને ચેતવણી આપતા ખોરાક ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયા એ જણાવ્યુ છે કે રાજયના નાગરિકોને ગુણવત્તાયુકત ઔષધો અને એની બનાવટો પૂરી પાડવા રાજય સરકાર સતત પ્રયત્નશીલ છે. એ માટે રાજયભરમાં ગુણવત્તા ચકાસણી માટે અભિયાન સતત ચાલતુ હોય છે જેના ભાગ રૂપે આજે પાલનપુર ખાતેથી હેન્ડ સેનીટાઇઝરનું વધુ એક કૌભાંડ પકડી પાડવામાં આવ્યુ છે.
 
તેમણે ઉમેર્યુ કે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાલનપુર ને મળેલી માહિતીના આધારે પાલનપુરના ગેટ વે પ્લાઝા પાછળ, ગઠામણ પાટીયા, હાઇવે રોડ, પાલનપુર ખાતે વગર પરવાને અલગ-અલગ બ્રાન્ડ તેમજ ફોર્મ્યુલાવાળી સેનિટાઇઝરનું ઉત્પાદન થતું હોવાનું ધ્યાને આવ્યું હતુ. આ સંદર્ભે પાલનપુર વર્તુળ કચેરી ના અધિકારીઓ ડૉ.એમ.પી.ગઢવી, સી.જી.પટેલ અને ડી. આર.દવે એ રેડ કરીને જીવન મંગલસિંહ પુરોહિત, રહેવાસી ૧૧, રીધ્ધી સીધ્ધી સોસા, તિરુપતીરાજ નગર, પાલનપુર પાસેથી જુદી જુદી બેચના જુદા જુદા પેકીંગ વાળા રીચ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી શુભ કેમીકલ્સ; કેર એન્ડ ક્યોર હેન્ડ સેનિટાઈઝર; સેફ હેન્ડ હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ ઇન્ડીયા; એફ એન્ડ ડી હેન્ડ સેનિટાઈઝર, ઉત્પાદક પેઢી ઇન્ડ. સેલ્ટોઝ ઇન્ડીયાની બનાવટો મળી આવી હતી, તેના નિયમિત નમૂના લઇ બાકીની બનાવટ તથા અન્ય જથ્થો તેમજ મશીનરીનો જથ્થો વધુ કાર્યવાહી અર્થે જપ્ત કરવામાં આવ્યો છે.
 
ડૉ. એચ. જી. કોશિયાએ કહ્યુ કે, આ રેડ દરમિયાન કરાયેલી પૂછપરછમાં જીવન મંગલસિંહ પુરોહિતે કબૂલ્યું હતુ કે તેઓ આ બોગસ ધંધો આશરે એક માસથી કરે છે. જેની અન્ય એક પેઢી શગુન ઇન્ટરનેશનલ, જી-૩૨, શ્રી આર્કેડ, હનુમાન ટેકરી, પાલનપુર ખાતે ધરાવે છે જેના નામે હેન્ડ સેનિટાઈઝર બનાવટોનું ખરીદ-વેચાણ કરતો હોવાનું જણાવ્યુ હતું. આ વ્યકિતએ શહેરના અંતરિયાળ રહેણાક વિસ્તારમાં વેપલો શરૂ કરી વગર પરવાને ટેસ્ટીંગ કર્યા વગર વિપુલ પ્રમાણમાં કોસ્મેટીક કેટેગરીના હેન્ડ સેનિટાઇઝર ઉત્પાદન તેમજ વેચાણ કર્યું હતુ અને સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્વયેના નિયમોની કલમ 18 A, 18 a ( vi ), 18 ( c ) નો ભંગ કર્યો છે. 
 
તપાસ દરમિયાન આ વ્યકિતને ત્યાંથી ફીનીસ્ડ પ્રોડકટ, પેકીંગ મટીરીયલ તેમજ કાચા દ્રવ્યો, ફિલીંગના સાધનો વગેરે મળી આશરે કુલ ૦૯ લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામા આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પાલનપુર સ્થિત મે. શગુન ઇન્ટરનેશનલ તેમજ ગઠામણ પાટીયા ખાતે આવેલ પેઢી સૌદર્ય પ્રસાધન કે એલોપેથીક ઔષધોના ઉત્પાદન માટેના કોઇ પરવાના ધરાવતી નથી. આ બનાવટોનું અત્યાર સુધી કોને કોને વેચાણ કરેલ છે તે ઉપરાંત તેઓએ મેળવેલ આલ્કોહોલની વિગતો તથા વેચાણ વિગતો બાબતે ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે. 
 
તેમણે ઉમેર્યુ કે,કોરોના મહામારી ના કપરા સમયગાળામાં સમાજમાં લોકોને ગેરમાર્ગે દોરવા ગંભીર બાબત ગણાય. આમ, છતાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રના અધિકારીઓની બાજ નજરમાં આવા અસામાજીક તત્વો છુટી શકે તેમ નથી. આ માટે રાજયના તમામ અધિકારીઓને કડક સૂચના આપી છે અને આવા તત્વોને જેર કરવા તંત્ર ભૂતકાળ માં પણ સફળ રહ્યું છે અને ભવિષ્યમાં ગમે તેવા ચમરબંધી ને પણ બક્ષશે નહિ.