શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 11 ઑગસ્ટ 2020 (17:06 IST)

કોરોના મહામારીને કારણે અંબાજી ભાદરવી પુનમનો મેળો રદ

આરાશુરી અંબાજી મંદિરમાં આગામી તા. 27 થી તા. 4-9ના સમયગાળા દરમ્યાન ભાદરવી પૂનમનો મહામેળો આવે છે. જેમાં અંદાજે 25 લાખ ઉપરાંતના યાત્રાળુઓ ગુજરાત તથા બહારના રાજ્યોમાંથી દર્શનાર્થે આવે છે. જેમાં મોટાભાગના યાત્રાળુઓ પગપાળા સંઘ સ્વરુપે આવે છે. આ યાત્રાળુઓ માટે અંબાજી આવવાના માર્ગો પર ઠેર ઠેર સેવા કેમ્પો થતા હોય છે. વિવિધ સ્થળો પર પંડાલો નાખવામાં આવે છે. વિનામૂલ્યે ભોજન તથા પ્રસાદની વ્યવસ્થા થતી હોય છે. ભાદરવી પૂર્ણિમાના મહામેળામાં મોટી સંખ્યામાં યાત્રાળુઓ અંબાજી ગામમાં તેમજ અંબાજી આવવાના માર્ગો ઉપર એકઠા થતા હોઇ કોરોના વાયરસ સંક્રમણની પુરેપુરી શક્યતાઓ રહેલી છે.જો અંબાજી મંદિરે દર્શનાર્થે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે પણ ખુલ્લુ રાખવામાં આવે તો પણ મોટી સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોઇ તેમને દર્શન વ્યવસ્થા સોશ્યલ ડીસ્ટન્સ સાથે ઉપલબ્ધ કરાવી શકાય તેમ નથી. આ સંજોગોને જોતાં આગામી તા. 24-8 થી તા. 4-9 સુધી અંબાજી મંદિર તેમજ ગબ્બર દર્શનાર્થે બંધ રાખવું હિતાવહ છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેએ જાહેરનામું બહાર પાડીને જણાવેલ છે કે બનાસકાંઠા જિલ્લાના અંબાજી મુકામે શ્રી અંબાજી મંદિર તથા ગબ્બર મંદિરમાં તા. 24-8 થી તા. 4-9 સુધી દર્શન માટે પ્રવેશ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. આ જાહેરનામુ અંબાજી મંદિરના પુજારીઓ તથા સરકારી ફરજ પરના અધિકારી-કર્મચારીઓને લાગુ પડશે નહીં.