સંબંધિત સમાચાર
- હવામાન વિભાગની મોટી આગાહી: આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના
- અમદાવાદમાં શરમજનક ઘટના: શિક્ષકના લાફાથી ધોરણ-10ના વિદ્યાર્થીના કાનનો પડદો ફાટ્યો, પોલીસ ફરિયાદ
- દરિયાપુરમાં જૂથ અથડામણ બાદ સ્થિતિ સંપૂર્ણ નિયંત્રણમાં; પોલીસે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી
- ગુજરાતના 19 જિલ્લામાં આજે વરસાદની શક્યતા; 2 જુલાઈએ સુરત, નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદની ચેતવણી
- ગુજરાત શિક્ષણ બોર્ડનો મોટો નિર્ણય: ચાલુ વર્ષથી ધોરણ 10 માં ત્રણ ભાષા ભણવી ફરજિયાત, વોકેશનલ વિષય હવે 8 મો વિષય બનશે
અમદાવાદમાં FIBA Basketball World Cup Qualifiers 2026નો મહામુકાબલો, 2 અને 5 જુલાઈએ ટીમ ઈન્ડિયા સામે કતાર-લેબનાન
FIba
ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહે તેવા FIBA Basketball World Cup Qualifiers 2026નું આયોજન અમદાવાદના અત્યાધુનિક વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે. ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સહયોગથી યોજાઈ રહેલી આ આંતરરાષ્ટ્રીય ટુર્નામેન્ટ ગુજરાતને વૈશ્વિક રમતગમતના નકશા પર વધુ મજબૂત ઓળખ અપાવશે.
2 અને 5 જુલાઈએ રમાશે ભારતની મેચો
બાસ્કેટબોલ ચાહકોને ભારતીય ટીમની બે રોમાંચક મેચો જોવાનો અવસર મળશે. 2 જુલાઈ 2026ના રોજ સાંજે 6 વાગ્યે ભારત અને કતાર વચ્ચે મુકાબલો રમાશે, જ્યારે 5 જુલાઈ 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે ભારત લેબનાન સામે ટકરાશે. તાજેતરમાં જ સફળતાપૂર્વક યોજાયેલી આંતરરાષ્ટ્રીય વોલીબોલ ચેમ્પિયનશિપ બાદ હવે અમદાવાદ વધુ એક વૈશ્વિક રમતગમતના આયોજન માટે તૈયાર છે.
ગુજરાત વૈશ્વિક સ્પોર્ટ્સ હબ તરીકે આગળ વધી રહ્યું છે
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું કે, ગુજરાત માટે પ્રથમ વખત FIBA Basketball World Cup Qualifiersનું યજમાન બનવું ગૌરવની વાત છે. તેમણે આ સફળતા માટે ગુજરાત સરકાર અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સતત સહયોગનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમના જણાવ્યા અનુસાર રાજ્ય રમતગમતના ક્ષેત્રમાં સતત નવી ઊંચાઈઓ સર કરી રહ્યું છે.
એસોસિએશનના શફીક શેખે જણાવ્યું કે, આંતરરાષ્ટ્રીય વોલીબોલ ટુર્નામેન્ટ બાદ હવે FIBA Basketball World Cup Qualifiersનું આયોજન એ દર્શાવે છે કે ગુજરાત મોટા વૈશ્વિક રમતોત્સવોનું સફળ આયોજન કરવાની સંપૂર્ણ ક્ષમતા ધરાવે છે. તેમણે તમામ વિદેશી ટીમો, અધિકારીઓ અને રમતપ્રેમીઓનું ગુજરાતમાં ઉષ્માભર્યું સ્વાગત કર્યું.
રમત દ્વારા સમાજમાં સકારાત્મક સંદેશ
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના ઉપપ્રમુખ ઉમેશ પાઠકે જણાવ્યું કે આ ટુર્નામેન્ટ માત્ર રમત પૂરતી મર્યાદિત નથી, પરંતુ સમાજમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પણ એક પ્રયાસ છે. એસોસિએશન દ્વારા 'Say No to Drugs, Say Yes to Life' અને 'ડ્રગ મુક્ત ભારત' જેવા જાગૃતિ અભિયાન પણ ચલાવવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે રમતગમત યુવાનોને શિસ્તબદ્ધ અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આ અભિયાનમાં ગુજરાત પોલીસના સહયોગ બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
અમદાવાદ તૈયાર છે વૈશ્વિક મહેમાનોના સ્વાગત માટે
અમદાવાદ ડિસ્ટ્રિક્ટ બાસ્કેટબોલ એસોસિએશન (ABDA)ના પ્રમુખ મુકેશ અમીને જણાવ્યું કે ભારતની પ્રથમ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ કતાર, લેબનાન તેમજ FIBAના પ્રતિનિધિઓના સ્વાગત માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. શહેરની સમૃદ્ધ સંસ્કૃતિ, પરંપરાગત આતિથ્ય અને આધુનિક સ્પોર્ટ્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ ટુર્નામેન્ટને વધુ યાદગાર બનાવશે.
વિશ્વસ્તરીય આયોજન માટે સંપૂર્ણ તૈયારી
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશન અને બાસ્કેટબોલ ફેડરેશન ઓફ ઇન્ડિયા (BFI) ખેલાડીઓ, કોચ, રેફરી અને આંતરરાષ્ટ્રીય મહેમાનો માટે વિશ્વસ્તરીય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે સંપૂર્ણ તૈયાર છે. વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમની ટેકનિકલ ટીમ, વહીવટી સ્ટાફ, કોચ અને સ્વયંસેવકો આ આયોજનને સફળ બનાવવા સતત કાર્યરત છે.
ઓગસ્ટ 2026માં વધુ મોટી આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપ
એસોસિએશનના અધિકારીઓએ જણાવ્યું કે આ ટુર્નામેન્ટ ગુજરાત માટે એક મહત્વપૂર્ણ માઈલસ્ટોન સાબિત થશે. આ ઉપરાંત ઓગસ્ટ 2026માં અમદાવાદમાં વધુ મોટી આંતરરાષ્ટ્રીય બાસ્કેટબોલ ચેમ્પિયનશિપનું આયોજન પણ કરવામાં આવશે, જે રાજ્યને વૈશ્વિક રમતગમતના કેન્દ્ર તરીકે વધુ મજબૂત બનાવશે.
ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશને તમામ રમતપ્રેમીઓ, વિદ્યાર્થીઓ અને પરિવારોને સ્ટેડિયમમાં આવીને ટીમ ઈન્ડિયાને ઉત્સાહિત કરવા અને આ આંતરરાષ્ટ્રીય રમતોત્સવનો ભાગ બનવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.
