1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat Weather Forecast

હવામાન વિભાગની મોટી આગાહી: આગામી દિવસોમાં અમદાવાદ સહિત રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારે વરસાદની સંભાવના

rain where
સમગ્ર દેશ અને ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ગઈ છે. હવામાન વિભાગ (IMD)ના જણાવ્યા અનુસાર, આગામી 2 દિવસમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં આગળ વધશે, અને ત્યારબાદના 2-3 દિવસમાં તે બાકીના સમગ્ર ગુજરાતને આવરી લેશે. આ સાથે જ, 2 જુલાઈથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય થવાની સંભાવના છે, જેના કારણે વરસાદનું જોર વધશે.

આગામી બે દિવસ કયા જિલ્લાઓમાં મેઘરાજા મહેરબાન થશે?

 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે ૨૯ જૂનના રોજ ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. જ્યારે ૩૦ જૂનના રોજ અમદાવાદ, આણંદ, સુરત, ભરૂચ, પંચમહાલ, રાજકોટ, જામનગર, ભાવનગર, દ્વારકા અને ગીર સોમનાથ સહિત રાજ્યના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
 

સુરતમાં લાંબી રાહ બાદ મેઘરાજાની એન્ટ્રી: અસહ્ય બફારાથી મળી રાહ

 
બીજી તરફ, આજે વહેલી સવારથી જ રાજ્યના વિવિધ ભાગોમાં વિધિવત વરસાદી માહોલ જામી ગયો છે. સુરત શહેરમાં છેલ્લા ૧૫ દિવસની લાંબી રાહ જોયા બાદ મોડી રાતથી વરસાદ શરૂ થતાં લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી મુક્તિ મળી છે. આ ઉપરાંત ઉના અને તાપીના વ્યારા સહિતના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધીમીધારે વરસાદ શરૂ થતાં ખેડૂતો અને ધરતીપુત્રોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે.

1 જુલાઈએ પણ વરસાદી માહોલ રહેશે યથાવત: સુરતમાં સૌથી વધુ વરસાદ

 
1 જુલાઈના રોજ પણ અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા, સુરત, નવસારી, વલસાડ, રાજકોટ અને જૂનાગઢ સહિતના જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. જો છેલ્લા 24 કલાકની વાત કરીએ તો રાજ્યના કુલ 33 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ સુરતમાં 2.60 ઇંચ વરસાદ પડ્યો છે, જ્યારે સૌથી ઓછો વલસાડના ધરમપુરમાં માત્ર ૧ મિમી વરસાદ નોંધાયો છે.
 
About Writer
વેબદુનિયા ન્યુઝ ટીમ
અમારા સ્ટ્રિંગર્સ, વિશ્વસનીય સ્ત્રોતો અને અનુભવી પત્રકારો દ્વારા તૈયાર કરવામાં આવેલી ગ્રાઉંડ રિપોર્ટ્સ, સ્પેશ્યલ રિપોર્ટ્સ અને રીયલ ટાઈમ અપડેટ્સને વરિષ્ઠ સંપાદકો દ્વારા સાવધાનીપૂર્વક તપાસીને જાણીને પ્રકાશિત કરવામાં આવે છે.... બધા વાંચો