અમદાવાદમાં 24 કલાકમાં ચાર આત્મહત્યા,બહેરામપુરા, વેજલપુર, નરોડા, નિકોલમાં આપઘાતના બનાવ  
                                       
                  
				  				   
				   
                  				  છેલ્લા 24 કલાક દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં આત્મહત્યાના ચાર બનાવો પોલીસ ચોપડે નોંધાયા હતા, જેમાં 20 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી, જયારે અન્ય ત્રણ બનાવોમાં બે યુવતીઓ સહિત ત્રણ વ્યક્તિઓએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, બહેરામપુરામાં વસંત રજબનગરમાં રહેતો મયુર બળદેવભાઈ શ્રીમાળી (ઉ.20)એ સાબરમતી નદી પરના સરદારબ્રિજ નીચેના રિવરફ્રન્ટ વોક વે પરથી નદીમાં ઝંપલાવ્યું હતું, જેના પરિણામે તે ડૂબી જતાં તેનું મોત નીપજયંુ હતું. આ અંગે સાબરમતી રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કર્યો હતો અને મોતનું કારણ જાણવા માટે તપાસ શરૂ કરી છે.જ્યારે બીજી ઘટનામાં વેજલપુરના જલતરંગ બસ સ્ટેન્ડ પાસે સ્વંય શક્તિ ફલેટમાં રહેતી નિધી અશ્વિનભાઈ પટેલ(ઉ.22)એ પોતાના ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી હતી.
				  										
							
																							
									  આ બનાવ અંગે વેજલપુર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.એક વધુ ઘટનામાં નરોડાના હરિદર્શન ચાર રસ્તા પાસે આવેલા સ્વામીનારાયણ પાર્કમાં રહેતા વિમળાબેન કાંતિભાઈ પરમાર(ઉં.34) એ કોઈ કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નરોડા પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.નિકોલમાં ખોડીયારનગર રોડ પર આવેલા સિદ્ધાંત ફલેટમાં રહેતા ઉર્વિશ હરેશભાઈ સોડાગર(ઉં.22)એ કોઈ કારણોસર પોતાના ઘરે પંખા સાથે દુપટ્ટો બાંધીને ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધીને આત્મહત્યાની પાછળનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.