સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 જૂન 2018 (12:15 IST)

વેબસાઈટથી જીવનસાથી શોધતી મહિલા સાથે 10 લાખની છેતરપિંડી

એક ડિવોર્સી મહિલા વેબસાઈટથી જીવનસાથી શોધવા જતાં છેતરપિંડીનો ભોગ બની છે. સેકન્ડ શાદી.કોમ ઉપર પ્રોફાઈલ મુકનાર મહિલાને ‘કોમન મેચ' તરીકે ઈન્દોરના નિતેશ પાંડે નામના વ્યક્તિનું નામ આવ્યું હતું. પોતે બેન્કમાં રિજિયોનલ મેનેજર હોવાનું કહેનાર નિતેશ પાંડેએ ‘કેન્સરનું ટ્યુમર થયું છે' તેવી વાત ઊભી કરી હતી. બીમારીના બહાને ટૂકડે ટૂકડે વાસણાની મહિલા પાસેથી દસ લાખ પડાવી લીધાની પોલીસ ફરિયાદ થઈ છે. વાસણામાં રહેતી પીડિત યુવતીએ 2011માં લગ્ન પછી મનમેળ ન થતાં પતિ સાથે છૂટાછેડા લીધા હતા. ચાર વર્ષની પુત્રી સાથે આર્કિટેક્ટ તરીકે કામ કરતી મહિલાએ દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે બીજા લગ્ન કરવાનો નિર્ણય કરી જૂન-2016માં સેકન્ડ શાદી.કોમ ઉપર પોતાની પ્રોફાઈલ બનાવી હતી. કોમન મેચ તરીકે ઈન્દોરના નિતેશ પાંડેનું નામ આવ્યું હતું. નિતેશે મિત્તલને ફોન કર્યો હતો અને પોતે ઈન્દોરની ICICI બેન્કમાં રિજિયોનલ મેનેજર હોવાનું જણાવ્યું હતું. ટેલિફોનિક વાતચીત થતી રહેતી હતી અને વડીલોને મળ્યા પછી લગ્નવિષયક નિર્ણય લેવાની વાતચીત થતી હતી. અનેક વખત કહેવા છતાં નિતેશ રૂબરૂ મળવા માટે આવ્યો નહોતો. ઓક્ટોબર-2016માં નિતેશે કહ્યું હતું કે, ‘મને કેન્સરનું ટ્યુમર થયું છે અને ઓપરેશન કરી ટ્યુમર કાઢી નાખવામાં આવે તો હું બચી શકું તેમ છું. હોસ્પિટલમાં હોવાથી પોતાને પૈસાની જરૂર છે અને પૈસા ટૂકડે ટૂકડે પરત કરશે' તેવી ખાતરી આપી હતી. આમ, કેન્સરની સારવારના બહાને નિતેશે ટૂકડે ટૂકડે પૈસા મેળવવાનું શરૂ કર્યું હતું. વાસણામાં રહેતી મિત્તલ લાગણીવશ મદદ કરવા લાગી હતી. નિતેશે ટૂકડે ટૂકડે 9,75,466 મેળવી લીધા હતા. કોઈને કોઈ બહાનું કરી લગ્નની વાત ટાળતા નિતેશ પાસે મિત્તલના સગાએ આખરે બેન્કની નોકરીના ID કાર્ડની નકલ માગી હતી. મિત્તલ લગ્નની વાત કરતી તો નિતેશ ફોન કાપી નાખતો હતો. સારવારના કાગળો માગ્યા તે આપવામાં પણ ગલ્લાંતલ્લાં કરતાં નિતેશ દિનેશકુમાર પાંડે સામે આખરે છેતરપિંડીની ફરિયાદ વાસણા પોલીસમાં નોંધાવાઈ છે.