શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 11 જૂન 2018 (16:53 IST)

અધિકમાસમાં મહિસાગરમાં ન્હાવા પડેલા અરવલ્લી જિલ્લાના ચાર જણા ડૂબ્યાં

મહીસાગર જિલ્લાના દેગમડાં ગામે મહીસાગર નદીમાં પુરુષોત્તમ માસની અગિયારસ નિમિત્તે નાહવા આવેલા અરવલ્લી જિલ્લાના પાંચ યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. જેમાંથી ચાર વ્યક્તિના મૃતદેહ મળ્યા હતા જયારે એકનો મૃતદેહ શોધવાની તજવીજ ચાલી રહી છે. આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મહિસાગર જિલ્લાના દેગમડાં ગામે આવેલ મહિસાગર નદીમાં રવિવારે અધિક માસની પુરુસોત્તમ મોટી અગિયારસ હોવાથી આજુબાજુ ગામોના અનેક લોકો પવિત્ર પુરષોત્તમ અગિયારસના ન્હાવા માટે આવ્યા હતા.  જેમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ગામો ગોવિંદપુર ટીસકી અને સોમપુર ગામના યુવાનો પણ ન્હાવા માટે આવ્યા હતા. આ યુવાનો પૈકીના પાંચ યુવાનો મહીસાગર નદીના વચ્ચેના ભાગે આવેલા ઊંડાણ વાળા વિસ્તારમાં જતાં રહ્યા હતા. જેના કારણે આ પાંચેય યુવાનો નદીમાં ડૂબી ગયા હતા. મહીસાગર નદીમાં આ પાંચ યુવાનો ડૂબી ગયા હોવાની જાણ સ્થાનિક લોકોને થતાં લોકો એકઠાં થઈ ગયા હતા. એટલું જ નહીં, સ્થાનિક તરવૈયાઓએ નદીમાં ડૂબેલા પાંચેય યુવાનોની શોધખોળ શરુ કરી હતી. પરંતુ સ્થાનિક તરવૈયાઓને કલાકોની જહેમત બાદ સાંજ ના છ વાગ્યાના સુમારે અડધા કલાકના અંતરમાં ચાર યુવાનોના મૃતદેહ પાણીમાંથી બહાર કાઢવામાં સફળતા મળી હતી. જો કે હજુ અન્ય એક યુવાનનાં મૃતદેહની શોધખોળ કરવામાં આવી રહી છે. સ્થાનિક તરવૈયાઓને જે ચાર યુવાનોના મૃતદેહને શોધીને બહાર કાઢવામાં સફળતા મળી છે તેમાં (૧) કૃપાલ મનભાઈ પટેલ (રહે.ગોવિંદપુર તા માલપુર, જિ. અરવલ્લી), ઈશાન અમૃતભાઈ પટેલ (રહે. ટીસકી તા માલપુર, જિ. અરવલ્લી), ધ્રુવ નરેશભાઈ પટેલ (રહે. ગોવિંદપુર, તા.માલપુર જિ. અરવલ્લી) તથા પ્રજેશ કનુભાઇ પટેલ (રહે ગોવિંદપુર તા માલપુર, જિ. અરવલ્લી) નામના યુવાનોનો સમાવેશ થાય છે. જયારે અન્ય એક ડૂબેલા યુવાન તૃષિત અરવિંદભાઈ પટેલ (રહે સોમપુર, તા માલપુર, જિ. અરવલ્લી)ના મૃતદેહને શોધવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે. મહીસાગર નદીમાં અરવલ્લી જિલ્લાના પાંચ યુવાનો ડૂબી ગયાની ઘટના બનતા સ્થાનિક તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળ દોડી આવ્યો હતો અને ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. આ ડૂબી ગયેલા યુવાનોની શોધખોળ કરવા માટે વડોદરાથી એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી હતી. જો કે એનડીઆરએફની ટીમ આવે તે પહેલાં સ્થાનિક તરવૈયાઓએ ચાર યુવાનોના મૃતદેહને શોધીને બહાર કાઢ્યા હતા. જો કે ત્યાર બાદ એનડીઆરએફની ટીમ આવી મોડી સાંજે પહોંચતા જતાં પાંચમા મૃતદેહને શોધવાની તજવીશ હાથ ધરી છે. હાલમાં સ્થાનિક પોલીસે નદીમાંથી બહાર કાઢવામાં આવેલા મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.