ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 સપ્ટેમ્બર 2022 (10:37 IST)

વડાપ્રધાન મોદીના કાર્યક્રમો માટે કોર્પોરેટરો-હોદેદારો ઉંધા માથે, રાજકોટથી માંડી અમદાવાદ સુધી તૈયારીઓ

pm modi
વિધાનસભા ચૂંટણી નજીક આવે છે તેમ રાજકીય ગતિવિધિ વધી રહી છે. ભાજપે વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ સહિતના ટોચના નેતાઓના હસ્તે અનેકવિધ લોકાભિમુખ વિકાસ કાર્યોનાં લોકાર્પણ-ખાતમુર્હુત કરાવવાનાં આયોજનો કર્યાં છે. આબ ધા કાર્યક્રમોને સફળ બનાવવાની જવાબદારી કોર્પોરેટરો અને સંગઠનને શિરે આવી છે.

ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા આજે ગુજરાતની મુલાકાતે છે. રાજકોટમાં ગુજરાતનાં ભાજપના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની સભામાં ભાજપના તમામ કોર્પોરેટરોને હાજર રહેવાની સૂચના અપાઇ હતી.ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાની જનપ્રતિનિધિ સભા ઉપરાંત 29મી સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડીયમ ખાતે નેશનલ ગેમ્સનું ઉદ્દઘાટન કરવા પધારવાના છે, તેના અનુસંધાને પણ મ્યુનિ., પ્રભારી અને શહેર પ્રમુખે તમામ કોર્પોરેટરોને પોતપોતાના વિસ્તારમાંથી મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોને અભૂતપૂર્વ કાર્યક્રમમાં ઉપસ્થિત રાખવાની જવાબદારી સોંપી હતી, જેના માટે દરેક વોર્ડમાં બસ સહિતના વાહનોની વ્યવસ્થા કરવામાં આવશે.જો કે મ્યુનિ. ભાજપનાં સુત્રોના જણાવ્યા અનુસાર,નેશનલ ગેમ્સનાં ઉદ્દઘાટનમાં દેશભરમાંથી અને રાજ્યભરમાંથી ખેલાડીઓ, નાગરિકો, કાર્યકરો ઉમટી પડશે તે નિશ્ચિત છે. આ ઉદ્દઘાટન પ્રસંગે શંકર મહાદેવન જેવા સિંગરો સ્ટેડીયમ ગજવવાનાં છે તેથી તેમને સાંભળવા માટે યુવા વર્ગ મોટી સંખ્યામાં આવશે તેમ મનાઇ રહ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી બીજા દિવસે 30મીએ અમદાવાદ શહેર માટે અતિ મહત્વની જાહેર પરિવહન સેવા મેટ્રો રેલ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છે. થલતેજ સ્ટેશન ખાતે મેટ્રો રેલને લીલીઝંડી દર્શાવવાની સાથે વડાપ્રધાન મેટ્રો રેલમાં મુસાફરી કરશે તેવી શક્યતા છે અને ત્યારબાદ વડાપ્રધાન થલતેજ ટીવી ટાવર પાછળના મેદાનમાં સભાને સંબોધવાનાં છે. આ સભાને સફળ બનાવવા માટે શહેર સંગઠન અને કોર્પોરેટરોને ખાસ જવાબદારી સુપ્રત કરવામાં આવી છે.વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરસભામાં આસપાસનાં વિસ્તારોનાં નાગરિકો તો આપમેળે આવી જશે તેમાં શંકા નથી. પરંતુ દૂર દુરના વિસ્તારોનાં નાગરિકો માટે સિટી સ સહિતની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે અને તેની ઉપર દેખરેખ રાખવાની જવાબદારી જે તે વોર્ડના સંગઠનનાં હોદેદારો તથા કોર્પોરેટરોને શિરે લાદવામાં આવી છે.