શીતલહેરથી ગુજરાતીઓ ઠુંઠવાયા, બે દિવસથી ગિરનાર અને પાવાગઢનો રોપ વે તથા ઓખા બેટ દ્વારકા ફેરી સેવા બંધ
સમગ્ર ઉત્તર ભારત હાલ ઠંડીમાં ઠુંઠવાયું છે, દિલ્હીમાં આ શીયાળાનું સૌથી નીચું 4.4 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભારે ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટીને 200 મીટર પર આવી ગઇ હતી, જેને પગલે વાહન વ્યવહાર ઠપ થઇ ગયો હતો અને ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે ૨૫થી વધુ ટ્રેનો મોડી ચાલી રહી છે. ગુજરાતમાં ન્યુનત્તમ તાપમાન તો 10થી 14સે.રહ્યું હતું.
ઉત્તર-પૂર્વ દિશાએ રાજસ્થાન તરફથી કે જ્યાં કોલ્ડવેવની સ્થિતિથી તે તરફથી બર્ફીલા પવનો તીવ્ર ગતિએ સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યપર ફૂંકાતા લોકો ઠંડીથી થથરી ગયા હતાં. ભારે પવનને કારણે છેલ્લા બે દિવસથી ગિરનાર રોપ વે અને ઓખા ફેરી બોટની સેવા બંધ કરી દેવામાં આવી છે. તે ઉપરાંત પાવાગઢમાં પણ રોપ વે સેવા બંધ કરાઈ છે. મીની વાવાઝોડા જેવા ઠંડા પવનને પગલે જુનાગઢમાં અંબાજી સુધીના રોપ-વે અને પ્રસિધ્ધ યાત્રાધામ દ્વારકાથી ઓખા દરિયામાં ચાલતી ફેરી બોટ સર્વિસને સાવચેતીના પગલારૂપે બંધ કરી દેવાઈ હતી. બીજી તરફ યાત્રાધામ પાવાગઢમાં પણ સુરક્ષાના કારણોસર રોપ-વે સેવા બંધ કરી દેવામાં આવી હતી. અમદાવાદમાં ન્યુનત્તમ 12.1સે.તાપમાન સાથે કલાકના સરેરાશ 13 અને વધીને 20 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફૂંકાયો તો રાજકોટમાં 12.5 સે.તાપમાન સાથે બપોરથી મોડી સાંજ સુધી સરેરાશ 18 કિ.મી.ની ઝડપ નોંધાઈ છે. જામનગરમાં 12 સે.તાપમાને તીવ્ર ઠંડી સાથે સરેરાશ 30 કિ.મી. કે જે વધીને 40 સુધી પહોંચી જતો હતો તેવો તીવ્ર પવન ફૂંકાયો હતો.તીવ્ર બર્ફીલા પવનોથી જનજીવન અને જીવસૃષ્ટિ પર વ્યાપક અસર જોવા મળી છે. માર્ગો અને બજારોમાં લોકો ગઈકાલે દિવસે પણ ગરમ વસ્ત્રોમાં લપેટાઈને બહાર નીકળવું પડયું હતું. ઠંડા પવનો આરોગ્ય પર જોખમી અસર પહોંચાડી શકતા હોય માર્ગો પર રાત્રિના સમયે લોકોએ જવાનું ટાળ્યું હતું. આજે રાજકોટ,ભૂજ,અમદાવાદ સહિત સ્થળોએ તાપમાન 12 સે.આસપાસ રહેવાની અને ઉંચા લેવલે આછા વાદળો છવાવા સાથે સવારના ન્યુનત્તમ તાપમાનમાં ૨થી ૪ સે.વધારો થવાની એટલે કે ઠંડી ઓછી થવાની આગાહી મિટીયોરોલોજીકલ સેન્ટરે કરી છે. ગુજરાતમાં આકાશ એકંદરે સૂર્યપ્રકાશિત રહેશે.