ગાંધીનગર મનપામાં ભાજપની જીત બાદ મેયર પદ માટે મંથન, OBC ઉમેદવારને મળી શકે છે તક
gandhingara mayor
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે મેયર પદની પસંદગીને લઈને પક્ષના આંતરિક વર્તુળોમાં ચર્ચાઓએ જોર પકડ્યું છે. પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે OBC વર્ગના ઉમેદવારને મેયર પદ સોંપાય તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે. આ રેસમાં મુખ્યત્વે બે દાવેદારો - વોર્ડ નંબર-1 ના મહેશ ચૌધરી અને વોર્ડ નંબર-5 ના કનુભાઈ દેસાઈના નામો મોખરે ચર્ચાઈ રહ્યા છે.
મેયર પદની રેસમાં મહેશ ચૌધરીનું નામ મોખરે
હાલની સ્થિતિએ મેયર પદ માટે મહેશ ચૌધરીનું નામ સૌથી આગળ ચાલી રહ્યું હોવાનું જાણવા મળે છે. વ્યવસાયે બાંધકામ ક્ષેત્ર સાથે સંકળાયેલા મહેશ ચૌધરી ગાંધીનગરના જાણીતા શિક્ષાપત્રી ગ્રુપ સાથે જોડાયેલા છે. તેમની દાવેદારીને લઈને ભાજપના મોવડીમંડળ અને સ્થાનિક રાજકીય વર્તુળોમાં ગંભીરતાથી વિચારણા ચાલી રહી છે.
સંગઠનના અનુભવી કનુભાઈ દેસાઈ પણ મજબૂત દાવેદાર
બીજી તરફ, વોર્ડ નંબર-5ના કોર્પોરેટર કનુભાઈ દેસાઈ પણ મેયર પદની દાવેદારીમાં મજબૂત રીતે ઉભરી આવ્યા છે. કનુભાઈ દેસાઈ અગાઉ ભાજપ સંગઠનમાં મહામંત્રી તરીકે મહત્વની જવાબદારી નિભાવી ચૂક્યા છે. સંગઠન ક્ષેત્રનો તેમનો લાંબો રાજકીય અનુભવ અને પકડ મેયર પદની આખરી પસંદગીમાં નિર્ણાયક પરિબળ સાબિત થઈ શકે છે.
