ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો, ટાઈફોઈડના કારણે 1 બાળકનું મોત થવાનો આક્ષેપ
ગાંધીનગર શહેરમાં ટાઈફોઈડના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ટાઈફોઈડના કારણે 152 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઈફોઈડનો ભારે હાહાકાર મચ્યો છે, જેમાં એક બાળકનું શંકાસ્પદ મોત નીપજ્યું છે અને અન્ય બે બાળકોની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું છે. હાલમાં 152 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે, જેમાંથી 50 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે.
ગાંધીનગરમાં ટાઈફોઈડથી મૃત્યુ થયાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દાવા પર મનપા કમિશ્નર જે.એન.વાઘેલાએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, ટાઈફોઈડના કારણે કોઈ મૃત્યું થયું ન હોવાનું મનપા કમિશ્નરે નિવેદન આપ્યું હતું. તેમજ હાલ ગાંધીનગર સિવિલમાં 113 લોકો એડમીટ છે. કોર્પોરેશન દ્વારા સઘન ઝુંબેસની કામગીરી કરવામાં આવી રહી છે.
શહેરમાં ફેલાયેલા રોગચાળાની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે અત્યારે ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં કુલ 113 દર્દીઓ સારવાર હેઠળ છે. આ દર્દીઓમાં તાવ, ઝાડા-ઊલટી અને ટાયફોઈડના લક્ષણો જોવા મળ્યા છે. કમિશનરે ખાતરી આપી છે કે સિવિલ હોસ્પિટલમાં તમામ દર્દીઓને પૂરતી સારવાર મળી રહે તે માટે તંત્ર સતત મોનિટરિંગ કરી રહ્યું છે અને દવાનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.