રવિવાર, 12 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદ , મંગળવાર, 17 ડિસેમ્બર 2019 (14:35 IST)

ગાંધીનગર: અગોરા મોલ પાસે આવેલા ફ્લેટમાં મહિલાની કરપિણ હત્યા, રહસ્ય અકબંધ

શહેરના છેવાડે અને ગાંધીનગરને અડીને આવેલા પોશ વિસ્તારમાં એક મહિલાની હત્યાની કરૂણ ઘટના સર્જાઇ હતી. અમદાવાદ- ગાંધીનગર રોડ પર આવેલા અગોરા મોલ નજીક એટલાન્ટિસ પાર્કના બીજા માળે ગઈકાલે રાત્રે એક મહિલાની હત્યા થતા હાહાકાર મચી જવા પામ્યો છે. હાલમાં અડાલજ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. હત્યા કયા કારણોસર કરવામાં આવી છે તે અંગે પોલીસ તપાસ કરી રહી છે.
 
બાલાજી આગોરા મોલ પાસેના પાર્શ્વનાથ એટલાન્ટિક ફ્લેટના બ્લ્યુ એચ બ્લોકના ફ્લેટ નંબર 201માં હત્યાનો બનાવ બન્યો છે. 26 વર્ષીય ગુંજન શર્મા નામની મહિલા ગઈકાલે તેમના ઘરે તેમની દીકરી સાથે ઘરે એકલા હતા ત્યારે બપોરથી સાંજના સમયે અજાણ્યા શખસોએ આવીને હથિયારથી હત્યા કરી નાખી. ગુંજન શર્માની હત્યા વખતે તેનો પતિ સુધીર શર્મા ઘરે હાજર ન હતો. ગુંજનનો પતિ જ્યારે ઘરે આવ્યો ત્યારે તેણે પોતાની પત્નીને લોહી લથબથ હાલતમાં જોઈ હતી. આ દ્રશ્ય જોઈને તેના ભોંયતળિયેથી જમીન સરકી ગઈ હતી. ઘરના મુખ્ય રૂમમાં પત્ની ગુંજન લોહી લુહાણ હાલતમાં પડી હતી, અને દીકરી રૂમમાં બંધ હતી. પત્નીની આ હાલત જોઇ બૂમાબૂમ કરી હતી. સુધીર શર્માની બૂમાબૂમનો અવાજ સાંભળ્યા બાદ આસપાસના લોકો દોડી આવ્યા હતા. 
 
આ અંગે અડાલજ પોલીસને જાણ કરાતા પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આખરે આ હત્યા ચોરી કે લૂંટના ઇરાદે થઈ કે અન્ય કોઈ કારણથી હત્યા કરાઈ એ બાબતે પોલીસે તપાસ હાથ ધરી છે.
 
મહિલાના પતિ એપોલો હોસ્પિટલમાં નોકરી કરે છે, અને કયા કારણોસર હત્યા થઈ છે તે મામલે પોલીસે તપાસ શરૂ કરી છે. સોસાયટીની બહાર એન્ટ્રી પોઈન્ટ પર કોઈ સીસીટીવી લગાવાયેલા નથી તેથી કોઈ પુરાવા હાથ લાગે તેવી શક્યતા નથી. ત્યારે આ ચોરી છે કે લૂંટ, કે અન્ય કોઈ કારણોસર મહિલાની હત્યા કરાઈ છે તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.