સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 21 ઑગસ્ટ 2020 (13:49 IST)

ગણેશ ચતુર્થીમાં આ વખતે બે ફૂટની મૂર્તિનું ઘરમાં જ સ્થાપન કરી શકાશે

તહેવારોની મોસમ ખીલી ઉઠી છે, એક તરફ શ્રાવણ માસની સમાપ્તિ થઇ છે ત્યાં હવે શનિવારે ગણેશ ચતુર્થીનું પર્વ ઉજવવામાં આવશે. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જારી કરવામાં આવેલા જાહેરનામા અનુસાર આ વખતે ગણેશજીની મૂર્તિ બેઠક સહિતની બે ફૂટ કરતાં વધારે ઊંચાઇ બનાવવા-વેચવા-સ્થાપન કરવા તથા જાહેર માર્ગ પર કરવા પ્રતિબંધ છે. ગણેશજીની મૂર્તિની સ્થાપના માટે જાહેર મંડપ, પંડાલ કે અન્ય હંગામી સ્ટ્રક્ચર ઊભું કરવા તેમજ મૂર્તિ સ્થાપના કે ધાર્મિક વિધિ માટે લાઉડ સ્પીકર કે ડી.જે.નો ઉપયોગ કરવા, ગણેશજીની મૂર્તિની સ્થાપના કે વિસર્જન ઉપર જાહેરમાં કોઇ ધાર્મિક-સામાજીક કે સાંસ્કૃતિક કાર્યક્રમ-શોભાયાત્રા કે વિસર્જન યાત્રા કરવા પર પણ પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.આ ઉપરાંત ગણેશજીની પી.ઓ.પી.-ફાયબરની મૂર્તિ વેચવા, ગણેશજીની મૂર્તિઓના સ્થાપના દિવસ બાદ મૂર્તિકારોએ વેચાણ ન થયેલી-બનાવટ દરમિયાન ખંડીત થયેલી મૂર્તિઓને બિનવારસી હાલતમાં મૂકવા, મૂર્તિઓની બનાવટમાં પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોના ઉપયોગ કરવા ઉપર પણ પ્રતિબંધ છે. આ વખતે ગણપતિની મૂર્તિનું વિસર્જન નદી-તળાવ-ઓવારા-નાળા-નહેરમાં કરવાની પણ મનાઇ છે. વહિવટી તંત્ર દ્વારા પણ કૃત્રિમ ઓવારા કે મૂર્તિ સ્વિકાર કેન્દ્રો કાર્યરત્ કરાશે નહીં. અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જારી સૂચના પ્રમાણે ગણેશજીની બે ફૂટની બેઠક સહિતના ઊંચાઇની માટીની મૂર્તિની સ્થાપના ઘરમાં જ કરવી અને દરેક લોકોએ સ્થાપના કરેલી મૂર્તિનું વિસર્જન ફરજીયાત પોત-પોતાના ઘરે કરવાનું રહેશે. ધોળકા તાલુકામાં આવેલા પ્રસિદ્ધ ગણપતપુરા (કોઠમાં) ગણેશ ચતુર્થી દરમિયાન સવારે ૭થી સાંજે ૬ દરમિયાન ભાવિકો દર્શન કરી શકશે. દર્શનાર્થીઓ સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે દર્શન કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. બીજી તરફ અમદાવાદના ભદ્રમાં આવેલા પ્રાચિન ગણેશ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. લોકડાઉન જાહેર કરાયું ત્યારથી ભદ્રના ગણેશ મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ જ રખાયા છે.