રવિવાર, 22 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: અમદાવાદ , ગુરુવાર, 1 ઑગસ્ટ 2024 (13:33 IST)

ગેનીબેન અમિત શાહને મળ્યા, સરહદ નજીકના 3 જિલ્લાઓમાં BADPની ગ્રાન્ટ ફાળવવા માગ કરી

Ganiben met Amit Shah
Ganiben met Amit Shah
ગુજરાત ભાજપના નેતાઓ હાલમાં દિલ્હીના આંટાફેરા કરી રહ્યાં છે. તાજેતરમાં કૃષિમંત્રી રાઘવજી પટેલ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મળ્યાં હતાં. ત્યાર બાદ પોરબંદરના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ અમિત શાહ અને સી.આર. પાટીલને મળ્યા હતાં. આ મુલાકાતોથી ભાજપના નવા પ્રમુખ અને મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બીજી તરફ બનાસકાંઠા જિલ્લાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે દિલ્હીમાં અમિત શાહ સાથે મુલાકાત કરતાં રાજકારણમાં ચર્ચાઓ ચકડોળે ચડી છે. 
 
કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અમિત શાહને મળ્યાં
ગુજરાતની બનાસકાંઠા બેઠક પરથી સાંસદ તરીકે ચૂંટાયેલા ગેનીબેન ઠાકોરે ગઈકાલે સંસદભવનમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. ગુજરાતના બોર્ડરના ત્રણ જિલ્લા બનાસકાંઠા, કચ્છ અને પાટણના ગામોમાં કેન્દ્રીય ગૃહ વિભાગ દ્વારા BADP હેઠળ જે ગ્રાન્ટ આપવામાં આવતી હતી અને 2020થી બંધ કરી દેવામાં આવી છે. તે ગ્રાન્ટ ચૂકવવાની માગ કરી છે. આ ગ્રાન્ટ ત્રણ જિલ્લાઓને આપવા માટે અને નવા ગામ બોર્ડર એરિયામાં સમાવેશ થાય તે માટે મળીને રજૂઆત કરી હતી.તે ઉપરાંત સરહદી વિસ્તારોમાં શિક્ષણ,આરોગ્ય, વીજળી અને પાણીની સુવિધાઓ પણ વધારવા માટે રજૂઆત કરી હતી. 
 
અર્જુન મોઢવાડિયા હવે ભાજપના ધારાસભ્ય છે
લોકસભાની ચૂંટણી પહેલાં જ કોંગ્રેસના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ રાજીનામું આપીને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો અને ભાજપની જ ટીકિટ પર પોરબંદરથી વિધાનસભાની પેટાચૂંટણી લડીને જીત મેળવી હતી. હવે તેઓ દિલ્હીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલને મળ્યા હતાં. ત્યારે એવી અટકળો શરૂ થઈ ગઈ છે કે, હવે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે. ચૂંટણી બાદ વહેતી થયેલી અટકળોમાં એવું ચર્ચાતુ હતું કે, અર્જુન મોઢવાડિયાને કેબિનેટ મંત્રી બનાવવામાં આવી શકે છે.