બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 4 જૂન 2021 (14:28 IST)

રાજ્યમાં 7 જૂનથી સરકારી અને ખાનગી ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે શરૂ થશે

રાજ્ય સરકારની બધી કચેરીઓ આવતીકાલ શનિવાર 5 જૂન ના રોજ કાર્યરત એટલેકે ખુલ્લી રહેશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા વધુમાં એવો નિર્ણય પણ કર્યો છે કે 7 મી જૂનથી રાજ્ય સરકારની તમામ કચેરીઓ તેમજ ખાનગી ક્ષેત્રની ઓફિસો 100 ટકા સ્ટાફની હાજરી સાથે રાબેતા મુજબ કામકાજ કરી શકશે.ગુજરાતમાં કોરોનાની બીજી લહેર નબળી પડી છે અને કેસોમાં તીવ્રતાથી ઘટાડો થઇ રહ્યો છે. ત્યારે ગુજરાત સરકારનાં કામકાજમાં પણ વેગ આવે અને અટકી પડેલી ફાઈલોનો ફાસ્ટ્રેક મોડમાં નિકાલ કરવાના આદેશો કરવામાં આવ્યા છે.

રાજ્યના મુખ્ય સચિવે ગાંધીનગર સચિવાલયના તમામ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને તાજેતરમાં જ આદેશ કર્યો હતો કે કોરોનાના કેસ ઓછા થઈ ગયા છે, જનજીવન રાબેતા મુજબ થઈ રહ્યું છે, સરકાર પણ વિકાસ અને પ્રજાલક્ષી કામોના નિર્ણયોમાં આગળ વધી રહી છે, ત્યારે તમામ વિભાગોના અધિકારીઓ ઓફિસમાં બેસીને પેન્ડિંગ કામોનો નિકાલ કરે.મુખ્ય સચિવે એવો પણ આદેશ કર્યો છે કે રાજ્ય સરકાર દ્વારા લેવાયેલા નીતિવિષયક નિર્ણયો હેઠળ જો કોઇ સમસ્યા હોય અથવા તો પ્રશ્ન હોય તો એનો નિકાલ કરીને આગળ વધો. રાજ્યના તમામ અધિકારીઓએ પેન્ડિંગ ફાઇલોનો નિકાલ કરવાનો સમય આવી ગયો છે. રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકિમ વય નિવૃત્ત થયા બાદ તેમને પ્રથમ છ મહિના અને બીજા છ મહિના સુધીનું એક્સટેન્શન આપેલું છે. મુકિમ ઓગસ્ટ 2021માં નિવૃત્ત થવાના છે. એ પહેલાં તેમણે વિભાગોના ઉચ્ચ અધિકારીઓને આદેશ આપીને કહ્યું હતું કે વિભાગની પડતર ફાઇલોનો ઝડપથી નિકાલ કરવો જોઇએ, જેથી અરજદારોને ઝડપી ન્યાય મળી શકે.