શનિવાર, 23 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated :ગાંધીનગરઃ , ગુરુવાર, 25 મે 2023 (00:26 IST)

ગુજરાતમાં 51 અધિકારીઓ સામે સરકારે અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપ્યા

dumikand
ડમીકાંડના કૌભાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગ અને વર્ગના કુલ 16 અધિકારી અને કર્મચારીઓની મિલકતની તપાસ થશે
 
 ભાવનગરમાં સામે આવેલા ડમીકાંડ બાદ તોડકાંડ હજી ચર્ચામાં છે. ત્યારે એસીબી દ્વારા ડમીકાંડ સહિત રાજ્ય સરકારના જુદા જુદા વિભાગના 51 સરકારી કર્મચારીઓ સામે અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે. સરકારી વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચાર દૂર થાય તે માટે રાજ્ય સરકારે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. એસીબીએ આધુનિક ઉપકરણોના ઉપયોગથી લાંચીયા કર્મચારીઓને પકડવા તેમજ ભ્રષ્ટાચારમાંથી વસાવેલ મિલકતો શોધી કાઢવા ઝુંબેશ હાથ ધરી છે. 
 
તપાસના આદેશ એસીબી દ્વારા આપવામાં આવ્યાં 
આ ઝુંબેશના ભાગરૂપે તાજેતરમાં એસીબી દ્વારા જુદા જુદા સરકારી વિભાગના લાંચીયા સરકારી અધિકારીઓ અને કર્મચારીઓની યાદી તૈયાર કરવામાં આવી છે અને તેમની પર નજર રાખવામાં આવી રહી છે. આ અંતર્ગત 35 અધિકારીઓ અને કર્મચારીઓએ તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર અને જંગમ મિલકત વસાવી હોવાની પ્રાથમિક માહિતી પ્રાપ્ત થતાં આ તમામ અધિકારીઓ સામે અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ એસીબી દ્વારા આપવામાં આવ્યાં છે. 
 
આ વિભાગોના અધિકારીઓની તપાસ થશે
આ વિભાગોમાં શહેરી વિકાસ અને શહેરી ગ્રામ ગૃહ નિર્માણ વિભાગ, ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગ, ગૃહ વિભાગ, પંચાયત અને ગ્રામ ગૃહનિર્માણ વિભાગ, મહેસૂલ વિભાગ, બંદરો અને વાહનવ્યવહાર વિભાગ, અન્ન અને નાગરીક પુરવઠા વિભાગ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ, કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ, નર્મદા અને જળસંપત્તિ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ સામે એસીબીએ અપ્રમાણસર મિલકતના તપાસના આદેશો આપ્યાં છે. આ વિભાગોમાં વર્ગ-1ના 4, વર્ગ-2ના 12, વર્ગ-3ના 19 કર્મચારીઓ સામે તપાસ હાથ ધરવામાં આવી છે. 
 
ડમીકાંડમાં 16 અધિકારીઓની તપાસ થશે
આ ઉપરાંત તાજેતરમાં ભાવનગર જિલ્લામાં ઉજાગર થયેલ ડમીકાંડના કૌભાંડમાં સંડોવાયેલા જુદા જુદા વિભાગ અને વર્ગના કુલ 16 અધિકારી અને કર્મચારીઓએ ભ્રષ્ટાચાર આચરી તેમની કાયદેસરની આવકના પ્રમાણમાં વધુ સ્થાવર અને જંગમ મિલકત વસાવેલ હોવાની પુરી સંભાવનાઓ રહેલ હોવાથી તેમની સામે પણ અપ્રમાણસર મિલકતની તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.