તહેવારોમાં મુસાફરો માટે ખુશખબર: ST નિગમ 6,500 વધારાની બસો દોડાવશે, 101 નવી બસોનું પ્રસ્થાન, સિટી બસોમાં બહેનો અને બાળકો માટે ફ્રી મુસાફરી
gujarat new st buses
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનો સરળતાથી અને સુરક્ષિત રીતે મુસાફરી કરીને પોતાના ભાઈના ઘરે પહોંચી શકે તે માટે ગુજરાત એસટી નિગમના કાફલામાં 101 નવી બસોનો સમાવેશ કરવામાં આવી રહ્યો છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આ નવી બસોને લીલી ઝંડી બતાવીને મુસાફરોની સેવા માટે રવાના કરાવશે. નવી બસોના આગમનથી રાજ્યના મુસાફરોની સુવિધામાં વધારો થશે અને તહેવારો દરમિયાન બસ સેવા વધુ સુદ્રઢ બનશે.
વડોદરામાં મહિલાઓ અને બાળકો માટે સિટી બસમાં મફત મુસાફરી
રક્ષાબંધનની ઉજવણીને ધ્યાનમાં રાખીને વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરની બહેનો માટે એક વિશેષ ભેટની જાહેરાત કરવામાં આવી છે. તહેવારના દિવસે વડોદરા શહેરમાં દોડતી તમામ 150 ઇલેક્ટ્રિક (EV) સિટી બસોમાં બહેનો અને બાળકો માટે મુસાફરી સંપૂર્ણપણે મફત રહેશે. મનપાના આ નિર્ણયથી શહેરની હજારો મહિલાઓ કોઈ પણ ખર્ચ વગર સરળતાથી પોતાના ભાઈના ઘરે પહોંચી શકશે.
આવતીકાલે ગુજરાત એસટી ના કાફલામાં ૧૦૧ નવી બસો ઉમેરાશે અને આ રક્ષાબંધને બહેનો આ જ નવી બસોમાં સફર કરી ભાઈના ઘરે પહોંચશે.
— Harsh Sanghavi (@sanghaviharsh) August 25, 2026
Tomorrow, 101 new buses will join Gujarats fleet and this Rakshabandhan, our sisters will travel home to their brothers on these very buses, a gift of seamless… pic.twitter.com/j0RNQOAaBJ
તહેવારોની ભીડને પહોંચી વળવા 6,500 વધારાની એસટી બસો દોડશે
રક્ષાબંધન અને આગામી તહેવારો દરમિયાન મુસાફરોના ભારે રશને પહોંચી વળવા માટે ગુજરાત સરકાર દ્વારા 26 થી 30 ઓગસ્ટ દરમિયાન 6,500 વધારાની (એક્સ્ટ્રા) એસટી બસોનું સંચાલન કરવામાં આવશે. આ ખાસ બસો અમદાવાદ, ગોધરા, વડોદરા, પાલનપુર, નડિયાદ જેવા મુખ્ય શહેરો ઉપરાંત પાવાગઢ, સુરત, રાજકોટ, જૂનાગઢ, પોરબંદર અને વલસાડ જેવા પ્રવાસન તથા તીર્થધામોના રુટ પર દોડાવવામાં આવશે.
ગત વર્ષનો પ્રતિસાદ અને આગોતરા બુકિંગની સુવિધા
ગત વર્ષે પણ રક્ષાબંધન દરમિયાન એસટી નિગમ દ્વારા 6,402 એક્સ્ટ્રા ટ્રીપો ચલાવવામાં આવી હતી, જેનો 3.33 લાખથી વધુ મુસાફરોએ લાભ લીધો હતો. આ વર્ષે પણ મુસાફરોને બસ સ્ટેશન પર લાંબી લાઈનોમાં ઊભા ન રહેવું પડે અને તેમની મુસાફરી આરામદાયક રહે તે માટે નિગમ દ્વારા એડવાન્સ બુકિંગની વિશેષ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

