રવિવાર, 29 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 31 મે 2019 (17:46 IST)

ગુજરાતમાં ખતમ થઈ ગયેલી કોંગ્રેસ હવે વિધાનસભામાં સરકાર સામે રણશિંગુ ફૂંકશે

ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો હાર્યા બાદ પ્રદેશ કોંગ્રેસે હારનું મનોમંથન કરવા તેમજ હવે શું કરવું તે સંદર્ભે બુધવારે કો-ઓડ્રિનેશન કમિટીની મિટિંગ બોલાવી હતી, આ મિટિંગ રાતે 12 વાગ્યા સુધી ચાલી હતી, જેમાં હારેલા ઉમેદવારોએ પોતાની વ્યથા ઠાલવી હતી. નવાઈની વાત એ છે કે, આ મિટિંગમાં પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ ઉપસ્થિત રહ્યા નહોતા. હવે પહેલી જુલાઈએ કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા તમામ ધારાસભ્યો તેમજ સંગઠનના મહત્ત્વના આગેવાનોની સંયુક્ત મિટિંગ બોલાવવાનું નક્કી થયું છે, જે વિધાનસભાના મળનારા સત્રમાં ફાયર સેફ્ટી સહિતના મુદ્દે સરકારને ભીંસમાં લેવા સહિતના મુદ્દે રણનીતિ ઘડશે. પહેલી જૂને ધારાસભ્યોની મિટિંગ બોલાવાઈ છે તેમાં લોકસભાના પરિણામ અંગે વિધાનસભા બેઠક દીઠ પણ ચર્ચા કરાશે. સાથે જ બજેટ સત્રમાં ફાયર સેફ્ટી સહિતના અન્ય કયા કયા મુદ્દે સરકારને ઘેરવી તેની ચર્ચા થશે. લોકસભાની ચૂંટણીમાં ભૂંડી રીતે હાર થઈ અને જે પરિણામો આવ્યા તે અંગે મિટિંગમાં શંકા વ્યક્ત કરાઈ હતી. કોંગ્રેસના સંગઠનમાં ખૂટતી કડીઓ સહિતની બાબતોએ પણ ઉમેદવારોએ વ્યથા ઠાલવી હતી. સાથે જ આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે અત્યારથી જ તૈયારી કરવા મુદ્દે ચર્ચા થઈ છે.