નમો વીરા તને 700વાળી ગાડી લઉં દઉં, રાજકોટમાં આશાવર્કરોનું ગીત
ગુજરાતભરમાં આંગણવાડી કાર્યકરો અને આશાવર્કર્સમાં છેલ્લા કેટલાંક સમયથી પગારને લઇ રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે આજે રાજકોટ કોર્પોરેશન ચોકમાં આંગણવાડી મહિલા કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યુ હતું. જેમાં મોદી અને રૂપાણીનું નામ લઇ ગીત રજુ કર્યુ હતું. જેમાં મોદીને ઉદ્દેશીને ગીત ગાયું હતું કે, નમો વીરો તને 700 રૂપિયા વાળી ગાડી લઉં દઉં. ગીતમાં ગાડીની સાથે ઠાઠડી જેવા શબ્દનો પ્રયોગ કરાયો હતો. તે સિવાય સાડી અને બજેટની હોળી કરી પટ્ટાંગણમાં બેસી ગયા હતા. મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.
રાજકોટ જિલ્લાની આંગણવાડી મહિલાઓ અને આશાવર્કર રસ્તા પર ઉતરી આવ્યા છે ને ચક્કાજામ કરી દીધો હતો. પોલીસ અને કાર્યકર મહિલાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું. તેમાં એક મહિલા ઘાયલ થતાં 108 મારફતે સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાઇ છે. આશાવર્કરો કોર્પોરેશનની ઓફિસે ધસી ગઇ હતી. બીજીબાજુ કોર્પોરેશન ચોકમાં 700 રૂપિયા પગારને લઇ મહિલા બેભાન થઇ જશે તેવા નાટકો રજુ કર્યા હતા. મોટી સંખ્યામાં એકઠી થયેલી મહિલાઓએ સાડીના અને બજેટની હોળી કરી હતી અને હાય હાય નારા લગાવ્યાં હતા.આંગણવાડીની બહેનોને રોષ ઠાલવતા જણાવ્યું હતુ કે માત્ર 700 રૂપિયા વઘાર્યુ આમા ઘર કેમ ચલાવ્યું. ઉલ્લેખનીય છે કે ગયા અઠવાડિયે પણ રાજકોટ ખાતે સીએમના નિવાસસ્થાને બહેનોએ વિરોધ વ્યકત કર્યો હતો.