સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 5 મે 2023 (15:33 IST)

ગુજરાત બોર્ડના સભ્યોએ ધોરણ 11 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓની ડમી સ્કૂલોની તપાસ કરવા માંગ કરી

board
ધોરણ 12 સાયન્સનું ત્રણ દિવસ પહેલા પરિણામ આવ્યું હતું, જે અગાઉના વર્ષ કરતાં ઓછું છે. જેની પાછળનું એક કારણ વિદ્યાર્થીઓ મેડિકલ અને એન્જિનિયરિંગની પ્રવેશીક પરીક્ષા માટે જ તૈયારી કરતા હોય છે અને તેઓ સ્કૂલની જગ્યાએ કોચિંગમાં વધુ સમય ફાળવતા હોય છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સભ્યોએ રાજ્યમાં ચાલતી ડમી સ્કૂલો બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે. જે વિદ્યાર્થીઓ ડમી સ્કૂલમાં પ્રવેશ મેળવે છે, તે સ્કૂલો અંગે તપાસ કરવા બોર્ડના સભ્યોએ માગ કરી છે.

ગુજરાત બોર્ડના સભ્ય પ્રિયવદન કોરાટ અને ધીરેન વ્યાસે પત્ર લખીને જણાવ્યું છે કે, ધોરણ 10 પછી મેડિકલ અને એન્જિનિયરિંગ જેવા અભ્યાસમાં પ્રવેશ મેળવવા પ્રાવેશિક પરીક્ષા માટેની તૈયારી કરવા વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં એડમિશન મેળવે છે. વિદ્યાર્થીઓ સ્કૂલની જગ્યાએ કોચિંગ ક્લાસમાં જાય છે. સ્કૂલમાં માત્ર ડમી વિદ્યાર્થી તરીકે જ એડમિશન આપવામાં આવે છે, તેની સામે ફૂલ ટાઈમ વિદ્યાર્થીઓ કોચિંગ ક્લાસમાં હાજર રહેતા હોય છે. આવા વિદ્યાર્થીઓને સ્કૂલોના લીધે બોર્ડના પરિણામ પર અસર જોવા મળી છે.ડમી સ્કૂલમાં વિદ્યાર્થીઓ માત્ર કાગળ ઉપર જ એડમિશન મેળવે છે. આ ઉપરાંત શિક્ષકો પણ કાગળ ઉપર જ હાજર હોય છે. જ્યારે બોર્ડની પેપર ચકાસણી હોય છે, ત્યારે ડમી સ્કૂલના શિક્ષકો બહાના બતાવીને ગેરહાજર રહે છે. ડમી સ્કૂલના કારણે બોર્ડના પરિણામ પર માઠી અસર જોવા મળે છે, જેથી સરકારે આવી સ્કૂલો ઉપર તપાસ કરીને કાર્યવાહી કરવી જોઈએ. જો સરકાર કાર્યવાહી ન કરે તો લાંબાગાળે ગુજરાતના બાળકોને મોટું નુકસાન થઈ શકે છે.