સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 6 મે 2023 (14:49 IST)

તલાટીની પરીક્ષા માટે ST વિભાગ 488 સ્પેશિયલ, 2000 એકસ્ટ્રા બસ દોડાવશે, રેલવે 7થી વધુ સ્પેશિયલ ટ્રેન મૂકશે

exam
ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા આગામી 7 મે 2023ને રવિવારના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષા માટે મુસાફરોને સુવિધા મળી રહે તે માટે ગુજરાત ST વિભાગ 488 સ્પેશિયલ અને 2000 જેટલી એકસ્ટ્રા બસ દોડાવશે. હાલ 10 હજારથી વધુ ટિકિટ પણ બુક થઈ ગઈ છે. જ્યારે પશ્ચિમ રેલવે દ્વારા 7થી વધુ સ્પેશિયલ ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે. અને 7 વિવિધ શહેરોમાં અવરજવર માટે ટ્રેનો મૂકવામાં આવી છે.

આ અંગે ગુજરાત વાહન વ્યવહાર નિગમના સચિવ કે.ડી.દેસાઈએ જણાવ્યું હતું કે, મે મહિનામાં ગુજરાત વાહન વ્યવહાર નિગમ દ્વારા આગામી 7મેના રોજ જે તલાટીની પરીક્ષા યોજવાની છે. તેના માટે 4,500 બસની વ્યવસ્થા કરી છે. જેમાં અત્યાર સુધીમાં 488 જેટલી સ્પેશિયલ બસ તલાટી માટે મૂકવામાં આવી છે. જેમાં આજના દિવસ સુધીમાં 10,416 જેટલી ટિકિટો ઓનલાઇન બુક થઈ ગઈ છે. આ ઉપરાંત 2,867 એક્સપ્રેસ બસમાં રિઝર્વેશન ચાલુ છે. જેમાં ઉમેદવાર રિઝર્વેશન કરાવી અને મુસાફરી કરી શકે છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે, 2000થી વધુ એક્સ્ટ્રા બસ પણ રાખવામાં આવી છે. જેથી દરેક ઉમેદવાર તેમના સ્થળ સુધી પહોંચી શકે છે. આ ઉપરાંત આજથી હેલ્પલાઇન નંબર શરૂ કર્યા છે. દરેક ડિવિઝનના કંટ્રોલરૂમ અને કમાન્ડ કંટ્રોલરૂમ સેન્ટરના નંબરો આપવામાં આવ્યા છે. જ્યાં ઉમેદવારો પોતાના બસની જરૂરિયાત અંગેની માહિતી આપી શકશે. જેથી ST નિગમ દ્વારા આવતીકાલે અને 7મીના રોજ બસ મૂકવાનું આયોજન પણ કરી શકે તેમ છે.ગુજરાત રાજ્ય પંચાયત પસંદગી મંડળ દ્વારા રાજ્યભરમાં આગામી 7મેના રોજ તલાટી-કમ મંત્રીની પરીક્ષા યોજાવાની છે. જેમાં 8 લાખ કરતાં વધુ ઉમેદવારો પરીક્ષા આપે તેવી શક્યતા છે. રાજ્યના યુવા ઉમેદવારોને પરીક્ષા સેન્ટર સુધી અવર-જવર દરમિયાન પરિવહન વ્યવસ્થામાં મુશ્કેલી ન પડે તે માટે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ વાહન વ્યવહાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી.આ બેઠકમાં પરીક્ષા આપનાર ઉમેદવારો માટે મહત્ત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. પરીક્ષાના દિવસોમાં શાળા/કોલેજોમાં વેકેશન હોઈ સ્કૂલ બસના સંચાલકો જો તલાટી-કમ મંત્રીના ઉમેદવારોને પરિવહનની સેવા પૂરી પાડવા ઇચ્છતા હોય તો ખાસ કિસ્સામાં 6 અને 7 મેના રોજ આવી બસને સ્ટેજ કેરેજ તરીકે ચલાવવા નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત શાળા/કોલેજની બસોના સંચાલકો તેમજ ખાનગી બસ સંચાલકો ST નિગમની એક્સપ્રેસ બસનું ભાડું ઉમેદવારો પાસેથી વસૂલ કરી બસનું સંચાલન કરી શકશે.