ક્લાઈમેટ ચેન્જ વિભાગનો ૧૨મો સ્થાપના દિવસ, ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે કરાશે ૧૦ MoU
ક્લાઈમેટ ચેન્જ વિભાગ તેની સ્થાપનાના ૧૧ વર્ષ આજે તા.૧૭ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ પૂર્ણ કરી રહ્યું છે. દીર્ઘદષ્ટિ ધરાવતા તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ગુજરાતમાં ક્લાઈમેટ ચેન્જ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો. આ વિભાગના ૧૨મા સ્થાપના દિવસ નિમિત્તે આવતીકાલે બપોરે ૦૩-વાગ્યે રાજ્યના મુખ્યમંત્રીવિજય રૂપાણીના હસ્તે ક્લાઇમેટ ચેન્જ ક્ષેત્રે ક્રાંતિ લાવવાના હેતુસર વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવશે.
તે ઉપરાંત આ વિભાગ દ્વારા હાથ ધરાયેલી પ્રવૃત્તિઓની રૂપરેખા દર્શાવતું પુસ્તક ‘‘બિલ્ડિંગ અ ક્લાઈમેટ રેસીલીયન્સ ગુજરાત : અ ડીકેડ ઓફ ક્લાઈમેટ એકશન એન્ડ અ રોડ મેપ ફોર ધ ફ્યુચર” નું ઇ-લોકાર્પણ કરવામાં આવશે તેમ ક્લાઈમેટ ચેન્જ વિભાગની યાદીમાં જણાવાયું છે.
આ વિભાગ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ સાથે સ્થાનિક કક્ષાએ કામગીરી કરી રહ્યું છે. આ તમામ સંસ્થાઓ સાથેના સંબંધો મજબૂત કરવા તથા નામાંકિત સંસ્થાઓએ હાથ ધરેલા સંશોધનો તેમજ આનુષંગિક માહિતી રાજ્યના હિતમાં ઉપયોગમાં આવે તે હેતુથી વિવિધ ૧૦ સંસ્થાઓ સાથે MoU કરવામાં આવનાર છે.
જેમાં (૧) ભાસ્કરાચાર્ય નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ સ્પેસ એપ્લિકેશન એન્ડ જીઓ - ઈન્ફોર્મેટિકસ સાથે સ્પેશ ટેક્નોલોજી અને જીઓ ઈન્ફોર્મેટિક્સના ઉપયોગ દ્વારા ક્લાઈમેટ ચેન્જની અસરો ઘટાડવા તથા પુનઃપ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ વધારવા અંગેની કામગીરી. (૨) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ સાથે ક્લાઈમેટ ચેન્જ રીસ્ક એસેસમેન્ટ ઓફ મિટિગેશન ક્લાઈમેટ ફાયનાન્સ અને ક્લાઈમેટ પોલિસીની બાબતો.(૩) ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, ગાંધીનગર સાથે ક્લાઈમેટ ચેન્જ અને પર્યાવરણ વિષયમાં ક્ષમતા નિર્માણ, સંશોધન અને વૈજ્ઞાનિક માહિતીની લોકઉપયોગીતા વધારવા બાબતે. (૪) ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન અને ગુજરાત ગેસ સાથે સીએનજી જેવા સ્વચ્છ ઇંધણનો વાહન વ્યવહારમાં ઉપયોગ વધારવા બાબતે. (૫) મુખ્ય નગર નિયોજક સાથે મકાનોમાં ઊર્જા બચત અંગેનો બિલ્ડિંગ કોડ બનાવવા બાબતે. (૬) ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ એન્ડ ટેક્નોલોજી સાથે કોમ્યુનિટી સાયન્સ સેન્ટર દ્વારા ક્લાઈમેટ ચેન્જ વિષયની જન જાગૃતિ વધારવા અંગે. (૭) ગુજરાત લાઈવલીહુડ પ્રમોશન કંપની સાથે સખી મંડળો દ્વારા ઘન કચરા વ્યવસ્થાપન તથા પર્યાવરણ ક્ષેત્રમાં આજીવિકા મળે તેવા પ્રોજેક્ટો હાથ ધરવા બાબતે. (૮) આણંદ કૃષિ યુનિવર્સિટી સાથે ગોબરમાંથી બાયોગેસ મેળવવા તથા ખેતીમાં ઉત્પન્ન થતા કચરાનો નિકાલ કરી બિન પરંપરાગત ઊર્જા મેળવવાની તકનિકોમાં સંશોધન કરવા અંગે. (૯) ગુજરાત સ્ટેટ બાયો ટેક્નોલોજી મિશન સાથે બાયો ટેક્નોલોજીના વપરાશ દ્વારા ક્લાઈમેટ ચેન્જ શમન અને પુનઃપ્રાપ્ય બળતણના સંશોધન અંગે. (૧૦) શિક્ષણ વિભાગ હસ્તકના નોલેજ કોન્સોર્ટિયમ સાથે ક્લાઈમેટ ચેન્જ સંશોધનોનો વ્યાપ ઉચ્ચ શિક્ષણમાં વધારવા માટે. આમ, આ ૧૦ નામાંકિત સંસ્થાઓ સાથે એમ.ઓ.યુ. કરવામાં આવશે.
સમગ્ર કાર્યક્રમ હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખી ઈ-પ્લેટફોર્મ ઉપર આયોજિત કરવામાં આવ્યો છે. જેમાં દેશ વિદેશના તજજ્ઞો ઓનલાઇન બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી મુખ્યમંત્રી સાથે સીધો સંવાદ કરશે. આ કાર્યક્રમની લિંક ક્લાઈમેટ ચેન્જ વિભાગ તથા ગુજરાત ઊર્જા વિકાસ એજન્સીની વેબસાઈટ ઉપર મૂકવામાં આવશે.