Last Modified: સોમવાર, 27 ફેબ્રુઆરી 2017 (13:13 IST)
ગુજરાતની કોલેજોમાં જી.એસ.ની ચૂંટણી શરૂ કરવાની હિલચાલ
ગુજરાતની જુદી જુદી કોલેજોમાં અંદાજે છેલ્લા ૨૫ વર્ષ કરતાં વધારે સમયથી ઇલેક્શન પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. હવે આગામી દિવસોમાં ફરીવાર કોલેજોમાં ઇલેક્શન પ્રક્રિયા શરૂ થાય તે દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. હાલમાં યુનિવર્સિટીમાં વિદ્યાર્થીસેનેટના ઇલેક્શન સિવાય કોઇ કોલેજમાં ઇલેક્શન થતાં નથી. હવે માનવ સંશાધન મંત્રાલય દ્વારા કોલેજોમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓને પોતાના પ્રતિનિધિ ચૂંટવાની તક આપવાના નામે કોલેજોમાં ઇલેક્શન ફરજિયાત કરવામાં આવે તેવી હિલચાલ શરૂ કરી દેવામાં આવી છે.
જેના પરિણામ સ્વરૂપ આગામી દિવસોમાં ગુજરાત સહિત જે રાજયોમાં વિદ્યાર્થી ઇલેક્શન બંધ છે તે ફરીવાર શરૂ કરવામાં આવે તેવી શકયતા છે. ગુજરાતમાં લગભગ છેલ્લા ૧૦ વર્ષથી એબીવીપી દ્વારા ઇલેક્શન કરવાની માંગણી સાથે સરકારમાં રજૂઆતો કરવામાં આવી રહી છે. આગામી સમયમાં કોલેજોમાં ફરીવાર ઇલેક્શન શરૂ થાય તે દિશામાં હાલ સંયુક્ત અભિયાન શરૂ કરવામાં આવ્યુ હોવાની વિગતો બહાર આવી છે. ગુજરાતની તમામ કોલેજોમાં સી.આર. એટલે કે કલાસ રિપ્રેઝન્ટેટિવ અને જી.એસ. એટલે કે કોલેજના જનરલ સેક્રેટરી માટે ચૂંટણીઓ યોજવામાં આવતી હતી. દરેક કોલેજોમાં વર્ગદીઠ સી.આર. અને જી.એસ.ની ચૂંટણીઓ થતી હતી. કોલેજના સી.આર. ભેગા મળીને જી.એસ.ની ચૂંટણી કરતાં હોય છે. આ પ્રક્રિયા ૧૯૯૪ સુધી ચાલુ હતી. ત્યારબાદ અચાનક તત્કાલીન સરકાર દ્વારા દરેક કોલેજોમાંથી ઇલેક્શન બંધ કરીને સિલેક્શન દ્વારા જ વિદ્યાર્થી પ્રતિનિધિઓની ચૂંટણી કરવી તેવો નિર્ણય કર્યો હતો. વિદ્યાર્થી પરિષદના એજન્ડામાં પણ વિદ્યાર્થી ઇલેક્શનને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. સૂત્રો કહે છે એબીવીપી સહિત જુદા જુદા વિદ્યાર્થી સંગઠનો દ્વારા માનવ સંશાધન મંત્રાલય સમક્ષ પણ ગુજરાત સહિતના રાજયો કે જેમાં વિદ્યાર્થી પ્રતિનિધિની ચૂંટણીઓ થતી નથી તે ચાલુ કરાવવા માટે વખતોવખત રજૂઆત કરવામાં આવી રહી છે. જેના અનુસંધાનમાં હવે મંત્રાલય દ્વારા આ બાબતને સીધી વિદ્યાર્થીઓના બંધારણીય હક્ક તરીકે જોઇને આગામી દિવસોમાં કોલેજોમાં વિદ્યાર્થી પ્રતિનિધિની પસંદગી માટે ઇલેક્શન ફરજિયાત કરવામાં આવે તે દિશામાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.