મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 4 ફેબ્રુઆરી 2021 (15:28 IST)

ગુજરાતમાં 8મી ફેબ્રુઆરીથી રાજ્યભરની કોલેજોના ફર્સ્ટ યરના શૈક્ષણિક કાર્ય શરૂ કરાશે

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે આગામી સોમવાર 8મીફેબ્રુઆરીથી રાજ્યની કોલેજોમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે વર્ગખંડ શિક્ષણ પુન: શરૂ કરવાની જાહેરાત કરી છે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગે બહાર પાડવામાં આવેલા ઠરાવમાં જણાવાયું છે કે, પ્રથમ વર્ષના શૈક્ષણિક અભ્યાસક્રમ માટેના વર્ગખંડો શરૂ કરવામાં આવે ત્યારે બે વિદ્યાર્થીઓ વચ્ચે સેઇફ સોશિયલ ડિસ્ટન્સનું પાલન તેમજ વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા ઝીગ-ઝેગ, સ્ટેગર્ડમેનરમાં ગોઠવવાની રહેશે. શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ આ નિર્ણયની વધુ વિગતો આપી હતી. તેમણે કહ્યું કે રાજ્યમાં કોરોના સંક્રમણની તીવ્રતા દિવસે દિવસે ઘટતી જાય છે ત્યારે વિદ્યાર્થીઓના લાંબાગાળાના શૈક્ષણિક હિતમાં રાજ્ય સરકારે અગાઉ 11 જાન્યુઆરીથી પ્રથમ તબક્કે તમામ પોસ્ટ ગ્રેજ્યુએટ, પી.એચ.ડી, એમ.ફિલ અભ્યાસક્રમો તેમજ મેડીકલ, પેરામેડિકલના અને અન્ય સ્નાતક અભ્યાસક્રમોના ફાયનલ ઇયર-અંતિમ વર્ષના તમામ વિદ્યાર્થીઓ માટે વર્ગખંડો ભૌતિક રીતે શરૂ કરાવેલા છેહવે, શિક્ષણ વિભાગ અને આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીઓની સંયુકત બેઠકમાં વિશદ ચર્ચા-પરામર્શ બાદ રાજ્ય સરકારે 8 ફેબ્રુઆરી સોમવારથી પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ વર્ગખંડ-ભૌતિક શિક્ષણ આપવા કોલેજો શરૂ કરવાનો નિર્ણય કર્યો છે શિક્ષણ અગ્ર સચિવ અંજુ શર્માએ એમ પણ કહ્યું કે ફાયનલ ઇયર અંતિમ વર્ષ અને ફર્સ્ટ ઇયર-પ્રથમ વર્ષના વર્ગ પૂન: શરૂ કર્યાની સ્થિતિ અને અન્ય જરૂરી ચર્ચા-વિચારણા સમીક્ષા પછી દ્વિતીય વર્ષના વર્ગખંડો શરૂ કરવા પણ રાજ્ય સરકાર યોગ્ય સમયે નિર્ણય કરશે. અત્રે એ નિર્દેશ કરવો જરૂરી છે કે, રાજ્ય સરકાર સંચાલિત તમામ સમરસ હોસ્ટેલ જે અગાઉ કોવિડ-19 ડેઝીગ્નેટ સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવી હતી તેવી હોસ્ટેલને પણ કોરોના સંક્રમણ ઘટતાં હવે, વિદ્યાર્થીઓના આવાસ-નિવાસ માટે પૂન: શરૂ કરવા પણ શિક્ષણ વિભાગે SOP નિર્ધારીત કરી છે. તદઅનુસાર, આવી સમરસ હોસ્ટેલ પૂન: શરૂ કરતાં પહેલાં તકેદારીના પગલાંરૂપે હાથની સ્વચ્છતા, સામાજિક અંતર અને અન્ય આવશ્યક પગલાંઓ સુનિશ્ચિત કરવાના રહેશે. આ SOPમાં જણાવ્યાનુસાર હોસ્ટેલમાં એક રૂમમાં બે થી વધુ વિદ્યાર્થીઓને સાથે રહેવા મંજૂરી નહિ અપાય એટલું જ નહિ કોવિડ-19ના લક્ષણો ધરાવતા વિદ્યાર્થીને કોઇ પણ સંજોગોમાં હોસ્ટેલમાં પ્રવેશ કે રહેવાની મંજૂરી આપવામાં આવશે નહી.