કોંગ્રેસના ધારાસભ્યો બેંગ્લુરૂથી પરત ફર્યાં, ધારાસભ્યોની સુરક્ષા માટે યૂથ કોંગ્રેસના 500 યુવાનો તહેનાત
ગુજરાતમાં મંગળવારે રાજ્યસભાની ચૂંટણીનું મતદાન થવાનું હોવાથી આ ચૂંટણીને લઈને ભારે ગરમાવો પ્રસરી રહ્યો છે. છેલ્લા એક સપ્તાહથી બેંગલુરુના ઈગલટન રિસોર્ટમાં રહેતા કોંગ્રેસના 42 ધારાસભ્યોએ છેવટે ગુજરાતની વાટ પકડીને ઘરવાપસી કરી છે. કોંગ્રેસના આગેવાનો શક્તિસિંહ ગોહિલ, સાગર રાયકા અને નરેશ રાવલની આગેવાનીમાં ગુજરાત પરત આવવા નીકળેલા ધારાસભ્યોએ 7 ઓગસ્ટે 2:40ની ફ્લાઈટ પકડી હતી. તમામ ધારાસભ્યો વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર આવી પહોંચ્યા હતા. જ્યાં ભારે સુરક્ષા વ્યવસ્થા વચ્ચે તમામને આણંદના એક રિસોર્ટ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યા બાદ ધારાસભ્યોને આણંદ પાસેના નિજાનંદ રિસોર્ટ ખાતે પોલીસના એસ્કોર્ટ હેઠળ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં મોટા ભાગના ધારાસભ્યોના પરિવારજનો આવી પહોંચ્યા હોવાનું જાણવા મળે છે. 7મી ઓગસ્ટે રક્ષાબંધનનો તહેવાર ધારાસભ્યો રિસોર્ટ પર ઉજવશે તેમ સૂત્રોનું કહેવું છે. એવું પણ જાણવા મળ્યું છે કે, વાંકાનેરના ધારાસભ્ય જાવેદ પિરઝાદા અને અન્ય બે ધારાસભ્યો અંગત કે કૌટુંબિક કારણસર વહેલા નીકળીને પોતાના ઘરે પહોંચ્યા હતા. 8મી ઓગસ્ટના રોજ થનારા રાજ્યસભાના મતદાન સમયે કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને ગાંધીનગરના સ્વર્ણિમ સંકુલ 2 ખાતે હાજર કરશે. ભાજપ દ્વારા કોંગ્રેસના ધારાસભ્યોને પક્ષાંતર કરવા માટે લલચાવવામાં આવે છે તેવો કોંગ્રેસને ભય હોવાથી ધારાસભ્યો સુધી કોઇ પહોંચી શકે તેટલા માટે અને તેમની સલામતી જળવાય તેટલા માટે 500 જેટલા યુવાનોને કોંગ્રેસે તહેનાત કર્યા છે. તમામ યુવાનો સોમવારે સાંજે ચાર કલાકથી ધારાસભ્યોની સુરક્ષા અને તેમના પર વોચ રાખવા માટે તૈયાર રહેશે તેમ કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા રાજ્યસભાની ચૂંટણીમાં બેંગલુરુથી આવતા ધારાસભ્યોને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. સાથે છેલ્લી ઘડીએ ભાજપ કોઇ ધારાસભ્યને તોડી જાય તેટલા માટે 500 યુવક કોંગ્રેસના કાર્યકરોને સ્ટેન્ડ ટુ રખાયા છે. 500 કાર્યકરોની યુવક કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ઇન્દ્રવિજયસિંહ ગોહિલે રવિવારે બેઠક બોલાવી હતી. તમામને 10, 10ના જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા છે. તમામ કાર્યકરોને 50 કાર ફાળવવામાં આવી છે. કારમાં તેઓ ધારાસભ્યોની સુરક્ષા કરશે. ધારાસભ્યોનો કોઇ સંપર્ક કરવાનો પ્રયાસ કરે કે કોઇપણરીતે ડરાવવા, ધમકાવવાનો પ્રયાસ કરે તો તેવા પ્રયાસને પહોંચી વળવા માટે 10 જૂથમાં વહેંચી નાખવામાં આવ્યા છે.