સોમવાર, 18 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 26 ઑગસ્ટ 2023 (19:41 IST)

કોલસા ખરીદીમાં ગુજરાત સરકારે અદાણીને 3900 કરોડ વધુ ચૂકવ્યા, કોંગ્રેસનો આક્ષેપ, કહ્યું તપાસ કરો

Gujarat government paid Adani 3900 crore more
Gujarat government paid Adani 3900 crore more
 
3900 કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાંખ્યો
આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે ત્યારે ED, CBI અને SEBI કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી?- શક્તિસિંહ ગોહિલ
 
 
અમદાવાદઃ ગુજરાતમાં વીજળી ખરીદી મામલે ફરીવાર અદાણી ચર્ચામાં આવ્યાં છે. ભાજપ સરકાર દ્વારા 3900 કરોડનો ભ્રષ્ટાચાર કરાયો હોવાનો આક્ષેપ કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે, ભાજપની સરકારમાં ભયમુક્ત ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતની જનતાની તિજોરીની ખુલ્લી લૂંટ ચાલી રહી છે.કોલસાની ખરીદીમાં જોગવાઈઓને બાજુએ ધકેલીને વર્ષ 2018 થી લઈને 2023 સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન અદાણીને 13802 કરોડ રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા છે. 
 
3900 કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સમાં પુરાવાઓ રજૂ કરીને સરકાર પર આક્ષેપ કર્યો હતો કે, ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ (GUVNL) દ્વારા વીજળી ખરીદી માટે પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ (PPA) અદાણી પાવર મુન્દ્રા લિમિટેડ સાથે કરવામાં આવ્યો હતો. આ પાવર પર્ચેઝ એગ્રીમેન્ટ મુજબ જે એનર્જી ચાર્જીસ એટલે કોલસાની ખરીદીની કિંમત પર અદાણી પાવર મુન્દ્રા લિમિટેડને પૈસા આપવા માટેની સ્કીમ બની હતી તે મુજબ અદાણી પાવર દ્વારા ખરીદાયેલા કોલસાના બીલો સ્પર્ધાત્મક રીતે ખરીદ્યા છે તેના ડોક્યુમેન્ટ્સ અને પારદર્શિતા દર્શાવતા તમામ પેપર રજુ કરવામાં આવે અને ત્યારબાદ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ તેની ચકાસણી કરે અને તેની સરખામણી ARGUS (કોલસાનો આંતરરાષ્ટ્રીય બજારમાં ભાવ નક્કી કરતી સંસ્થા)નો જે ભાવ હોય તેની સરખામણી બાદ જો અદાણીએ ખરીદેલ કોલસો ઓછી કિંમતનો હોય તો તેને ધ્યાને લેવાનું અને જો ARGUSના ભાવ ઓછા હોય તો તેને ધ્યાને લઈને જ અદાણીને પૈસા મળે એવી સ્પષ્ટ જોગવાઈ છે.શક્તિસિંહે કહ્યું હતું કે, રાજ્ય સરકારે તમામ જોગવાઈઓને બાજુએ મુકીને વર્ષ 2018થી લઈ વર્ષ 2023 સુધીના પાંચ વર્ષના ગાળા દરમિયાન અદાણીને 13802 કરોડ રૂપિયા ચૂકવી દીધા છે, જ્યારે ખરેખર અદાણીને મળવાપાત્ર 9902 કરોડ રૂપિયા જ થતા હતા. એટલે 3900 કરોડ વધારે અદાણીને ચૂકવી દેવામાં આવ્યા છે. 
 
2018થી 2023 સુધીમાં મળવાપાત્ર 9902 કરોડ જ થાય છે
શક્તિસિંહ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો, સુપ્રીમ કોર્ટ તપાસની કમિટી બનાવતી હતી અને સેબીની ઈન્કવાયરી શરૂ થવામાં હતી તેમજ જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીની (JPC) પણ વિરોધ પક્ષે માંગી ત્યારે અધિકારીઓએ આ મોટા ભ્રષ્ટાચારમાં પોતાને તકલીફ ન ઊભી થાય તે માટે ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણી પાવર મુન્દ્ર લિમિટેડને પત્ર લખીને કહ્યું કે, વારંવાર માંગણી કરવા છતાં અદાણી પાવર દ્વારા ખરીદાયેલ કોલસાના બિલો આપવામાં આવતા નથી.સ્પર્ધાત્મક ભાવ અંગેના કે પારદર્શિતા અંગેના ડોક્યુમેન્ટ્સ આપવામાં આવતા નથી અને માત્ર ચોક્કસ લોકો પાસેથી ઊંચા ભાવે કોલસો ખરીદ્યાની વાત કરીને 13802 કરોડ સરકાર પાસેથી લીધા છે. કરાર મુજબ ARGUSના ભાવ ધ્યાને લેતા અદાણીને ખરેખર વર્ષ 2018થી 2023 સુધીમાં મળવાપાત્ર 9902 કરોડ જ થાય છે. એટલે કે 3900 કરોડ ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડે અદાણીને વધારે ચૂકવી દીધા છે અને તે પરત આપી દેવા પત્ર લખી નાંખ્યો છે. 
 
3900 કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે
શક્તિસિંહના જણાવ્યા પ્રમાણે હકીકતમાં આ એક મોટું કૌભાંડ ચાલતું હતું અને જ્યારે તપાસ થશે તેવી બીક લાગી ત્યારે માત્ર પત્ર લખી નાખવામાં આવ્યો છે. આ રીતે ચૂકવાયેલ નાણાંનો બોજ આખરે ગુજરાતમાં વીજળીનો ઉપયોગ કરનારા ગુજરાતીઓના માથે ઝીંકાયો છે. માનીતા ઉદ્યોગપતિઓને માલામાલ કરવા માટે ગુજરાતીઓને મોંઘી વીજળી ખરીદવી પડે તેવો ઘાટ ભાજપ સરકારે ઉભો કર્યો છે. વગર બિલો મેળવ્યે અને ARGUSના ભાવ કરતાં વધારે રકમ કોના કહેવાથી ચૂકવી આપવામાં આવી ? 3900 કરોડ વધારે ચૂકવી દીધા તેનું વ્યાજ અદાણી પાસેથી વસુલ કરવાનું શા માટે નથી લખાયું ? આ એક પ્રકારનું મની લોન્ડરીંગ છે. ત્યારે ઈ.ડી., સી.બી.આઈ. અને સેબી કેસ દાખલ કરીને કેમ તપાસ કરતી નથી? પાંચ વર્ષ સુધી કોઈપણ જાતના બિલો વગર કોના કહેવાથી અદાણીને કરોડો રૂપિયા ચૂકવી દેવામાં આવ્યા? અત્યાર સુધીમાં અદાણી પાસેથી કેટલા રૂપિયા વસૂલ કરવામાં આવ્યા? 3900 કરોડના ભયમુક્ત ભ્રષ્ટાચારમાં કોણ કોણ સામેલ છે? અને કોના કહેવાથી આટલી મોટી રકમ મળતીયા કંપનીને આપી દેવામાં આવી આ તમામ સવાલો અંગે તટસ્થ તપાસ કરવામાં આવે તેવી કોંગ્રેસે માંગ કરી છે.