શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શનિવાર, 21 માર્ચ 2020 (17:22 IST)

ગુજરાતમાં અધધધ...લોકો વિદેશથી આવ્યા, સરકારે વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા લોકોની યાદી મોકલી

રાજકોટ સહિત રાજયભરમાં છેલ્લા બે મહિના દરમ્યાન વિદેશ પ્રવાસ, હજ, ઉમરાહ કરીને પરત આવેલા યાત્રિકો-શ્રઘ્ધાળુઓની એક યાદી કેન્દ્ર સરકારે ગુજરાત રાજયને મોકલી છે. રાજકોટના 1660 સહિત રાજયના 27000 વ્યકિતઓને શોધી-શોધી તેની આરોગ્ય વિષયક તપાસ કરવાના આદેશો કરવામાં આવતા રાજકોટ શહેર-જિલ્લામાં આજ સવારથી આરોગ્ય ખાતાને સાથે રાખી મામલતદાર-પ્રાંત અધિકારી કામમાં જોડાઇ ગયા છે.
 
અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત વડોદરા શહેરમાંથી 13 જેટલા કોરોના પોઝીટીવના કેસો મળ્યા છે. કોરોના પોઝીટીવ મળેલા તમામ વ્યકિતઓ વિદેશ પ્રવાસ કરીને ગુજરાત આવ્યા હોવાનું સરકારને ઘ્યાને આવતાં રાજય સરકારે છેલ્લા બે મહિના દરમ્યાનમાં વિદેશથી પ્રવાસ-ધાર્મિક યાત્રા કરીને ગુજરાત આવેલા પ્રવાસીઓ-યાત્રીઓની વિગતો કેન્દ્ર સરકાર પાસે માંગી હતી. 
 
કેન્દ્ર સરકારે વિદેશ પ્રવાસ-ધાર્મિક યાત્રા કરીને ગુજરાતમાં આવેલા 27000 વ્યકિતઓની યાદી, નામ-સરનામા-ફોન નંબર સાથેની સરકારને મોકલી આપતાં રાજય સરકારે આ યાદી પરથી જિલ્લા વાઇઝ લીસ્ટ બનાવી તમામ કલેકટરોને મોકલી આપ્યું હતું.
 
રાજય સરકારે તાજેતરમાં વિદેશ પ્રવાસ કરીને આવ્યા હોય તેવા વડોદરા શહેર-જિલ્લાના લોકોની યાદી મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને મોકલી આપી છે. તેના અનુસંધાને જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે મહાનગરપાલિકા અને જિલ્લા આરોગ્યતંત્રને ઉપરોક્ત યાદીમાં સમાવિષ્ટ તમામ લોકોને ફરજિયાત હોમ કોરેન્ટાઇનમાં મૂકવા સૂચના આપી છે. 
 
આ પ્રવાસીઓ પૈકી જો કોઇ હોમ કોરેન્ટાઇનનું પાલન ન કરતા હોય અને જિલ્લા કલેકટરની આ સૂચના માનવાનો ઇન્કાર કરે તો તેમને તાત્કાલિક અટકમાં લઇને હોમ કોરેન્ટાઇનમાં મૂકવા અને તેમની સામે કાયદેસરના સખત પગલા લેવા શહેર-જિલ્લા પોલીસતંત્રને પણ સૂચના આપવામાં આવી છે.
 
જિલ્લા કલેકટરએ તાજેતરમાં વિદેશ પ્રવાસ પૂરો કરીને આવ્યા હોય તેવા પ્રવાસીઓ તથા તેમના સંપર્કમાં આવેલા લોકોને આ સૂચનાના પાલનમાં સહયોગ આપવા અને સ્વૈચ્છિક રીતે સૌના હિતમાં હોમ કોરેન્ટાઇન સ્વીકારવા અને તેનો ચુસ્ત અમલ કરવા ખાસ અપીલ કરી છે. કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા લોકોને કવોરેન્ટાઈનમાં રાખી સંપર્ક સારવાર સહિતની તકેદારીઓ માટે પોલીસ બંદોબસ્ત સાથે ખાસ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.