સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 7 ફેબ્રુઆરી 2023 (13:38 IST)

ગુજરાત સરકાર પેપરલીક અંગે કડક કાયદો લાવશે, રાજસ્થાન અને યુપીના કાયદાનો અભ્યાસ શરૂ કરાયો

ગુજરાતમાં પેપરલિકને લઈને સરકાર વધુ ગંભીર બની છે. પરીક્ષા માટેના પેપરો ક્યાં અને કેવી રીતે છપાવવા તેમજ પેપરલીક કરનારાઓ સામે કયા પગલાં લેવા તે અંગેની વિચારણાઓ શરૂ થઈ ગઈ છે. જુનિયર ક્લાર્કનું પેપર ફૂટ્યા બાદ આઈપીએસ હસમુખ પટેલને પંચાયત સેવા પસંદગી મંડળની જવાબદારી સોંપવામાં આવી છે. હવે આગામી એપ્રિલ મહિનામાં આ પરીક્ષા લેવાય તેવી વિચારણા છે.

બીજી તરફ પેપર ફોડનારા તત્વો સામે કેવા પગલાં લેવા અને કેવા કાયદા બનાવવા તે અંગે પણ ચર્ચાઓ શરૂ થઈ છે. સરકારે હાલમાં રાજસ્થાન અને ઉત્તરપ્રદેશના કાયદાનો અભ્યાસ શરૂ કર્યો છે. નવા કાયદામાં 10 વર્ષની જેલ, 10 લાખના દંડની જોગવાઈ પર વિચારણા થઈ રહી છે. આગામી વિધાનસભા સત્રમાં સરકાર કડક કાયદો લાવી શકે છે. ગુજરાતમાં વારંવાર પેપરો ફૂટવાની ઘટનાઓથી સરકાર પણ હવે કડક કાયદો લાવવાનું વિચારી રહી છે. બીજી તરફ પેપરને કેવી રીતે સુરક્ષિત રાખવું તેની પણ વિચારણા હાથ ધરાઈ છે. જેમાં પેપરના અલગ અલગ સેટ તૈયાર કરવા,  9થી 10 લાખની પરીક્ષાના બદલે વિકલ્પ રાખવો, અલગ અલગ તબક્કામાં પરીક્ષા લેવી, ખાનગી પ્રિન્ટીંગ પ્રેસની જગ્યાએ સરકારી સ્થળે પેપર છાપવું. પેપર ફોડનાર, લેનાર બંને સામે કડક સજાની જોગવાઈ. સંડોવણીમાં 3 વર્ષ સુધી પરીક્ષા ન આપી શકે તેવી જોગવાઈ વગેરે અંગે સરકાર હાલમાં વિચારી રહી છે.

નવા કાયદા માટે સરકાર દ્વારા ડ્રાફ્ટિંગ પણ શરૂ કરી દેવાયું છે. આગામી સત્રમાં આ કાયદા અંગેનું બિલ આવી શકે છે. હસમુખ પટેલે કહ્યું હતું કે, પંચાયત સેવા મંડળ અને સરકાર પરીક્ષાઓ બિન વિવાદિત થાય તે માટે વધુ સારી રીતે કરવા માટે  કેટલાય દિવસથી કવાયત થઈ રહી હતી. આજે મને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જે ઘટના બની તે માટે દુઃખ છે. જેથી હવે વહેલામાં વહેલી સ્વચ્છ રીતે પરીક્ષા લેવાની કાળજી રાખવામાં આવશે. પરીક્ષા કેન્દ્રો પર પણ નજર રાખવામાં આવશે. લોકરક્ષકની પરીક્ષા કરતા આ પરીક્ષામાં વધુ ઉમેદવાર છે. પેપર જે રીતે ફૂટ્યું તે કોન્ફિડન્સ બાબત છે. પણ 14 માર્ચથી બોર્ડની પરીક્ષા શરૂ થશે.એપ્રિલ મહીનામાં પંચાયતની પરીક્ષા યોજાઈ શકે છે.હવે ઉમેદવારો તૈયારીમાં લાગી જાય. વહેલી તકે પરીક્ષા લેવામાં આવશે. પેપર ક્યાં પ્રિન્ટીંગ  કરશે તેની માહિતી ના આપી શકાય. અમારા માટે 3 બાબતો સૌથી મહત્વની છે. પેપર પ્રિન્ટિંગ અને પેપર કેન્દ્રો પર પહોંચાડવા અને 3 પરીક્ષા કેન્દ્રો પરથી પેપર લીક ના થાય. પેપરલીક કરનારને પકડ્યો છે. આ પરીક્ષાનું પેપર લીક થતા જ પકડ્યું છે. એટલે પોલીસ સતર્ક છે જ. ક્યાંય કોઈ ગરબડ દેખાય તો તરત જ અમારો સીધો સંપર્ક કરવો. અમારી જવાબદારી અમે નિભાવીશું.ઉમેદવારો એ પ્રમાણિકતાથી પેપર આપવા જોઈએ. પરીક્ષા પહેલા યેનકેન પ્રકારે પેપર મેળવવા પ્રયત્નો ના કરવા જોઈએ.