1. સમાચાર જગત
  2. ગુજરાતી સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
  4. Gujarat lawyers strike

ગુજરાતમાં વકીલોની આરપારની લડત: ‘ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬’ સામે અચોક્કસ મુદતનો બહિષ્કાર

lawyers strike
lawyers strike
 
રાજ્ય સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા 'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' સામે ગુજરાતભરના વકીલોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સતત ત્રણ દિવસ સુધી વિરોધ પ્રદર્શનો કરવા છતાં સરકાર તરફથી કોઈ યોગ્ય કે સંતોષકારક ઉકેલ ન આવતાં, બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના આહવાન પર રાજ્યના વકીલોએ આજથી અચોક્કસ મુદતની હડતાળ પર જવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના આશરે ૧૮૨ વકીલ મંડળો કોર્ટની કામગીરીથી દૂર રહીને પોતાનો વિરોધ નોંધાવશે.

અમદાવાદમાં ભદ્ર કોર્ટથી ગાંધીજીની પ્રતિમા સુધી વકીલોની બાઈક રેલી

 
 આ વિધેયકના વિરોધને વધુ વ્યાપક બનાવવા માટે અમદાવાદમાં વકીલો દ્વારા એક વિશાળ બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રેલી ભદ્ર સ્થિત સિટી સિવિલ અને સેશન્સ કોર્ટથી શરૂ થઈને મેટ્રો કોર્ટ અને ઇન્કમટેક્સ ગ્રામ્ય કોર્ટ તરફ આગળ વધશે, જ્યાં વધુ વકીલો તેમાં જોડાશે. આ બાઈક રેલીનું આશ્રમ રોડ પર આવેલી ગાંધીજીની પ્રતિમા ખાતે સમાપન થશે, જ્યાં વકીલો નવો કાયદો પાછો ખેંચવાની માંગ સાથે પ્રદર્શન કરશે.
 

જૂનો ભાડા કાયદો યથાવત રાખવા અને રોજગારી બચાવવા માંગ 

 
વકીલ સંગઠનોનો મુખ્ય વિરોધ એ વાતનો છે કે નવા ભાડા વિધેયકની જોગવાઈઓને કારણે વકીલોની રોજગારી પર સીધી અસર પડશે અને ભાડા સંબંધિત કેસોની ન્યાયિક પ્રક્રિયા પણ પ્રભાવિત થશે. સરકાર સમક્ષ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા વકીલો માંગ કરી રહ્યા છે કે નવું 'ગુજરાત ભાડા વિધેયક-૨૦૨૬' રદ કરવામાં આવે અથવા તેના પર પુનર્વિચાર કરીને જૂના કાયદાને જ યથાવત રાખવામાં આવે.

કીલોનો આરપારની લડતનો મોરચો અને કોર્ટ કામગીરી પર અસર

 
 ત્રણ દિવસના શાંતિપૂર્ણ વિરોધ બાદ હવે અચોક્કસ મુદતની હડતાળ શરૂ થતાં આ વિવાદ વધુ ઉગ્ર બનવાના એંધાણ દેખાઈ રહ્યા છે. વકીલ મંડળોએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી તેમની માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન ચાલુ રહેશે. સમગ્ર રાજ્યમાં વકીલો એકસાથે કામગીરીથી અળગા રહેતા આગામી દિવસોમાં અદાલતોમાં ભાડા સંબંધિત તેમજ અન્ય કેસોની કામગીરી ઠપ થઈ જવાની પૂરી શક્યતા છે.
આગળનો લેખ
કચ્છના અંજારમાં સંબંધો શર્મસાર: બોયફ્રેન્ડ સાથે વાત કરવા મુદ્દે પિતાએ દીકરી પર ગુજાર્યો બળાત્કાર, માતાએ ફોટા પાડ્યા