બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , મંગળવાર, 11 જૂન 2019 (08:26 IST)

ગુજરાતમાં 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી, 'વાયુ' વાવાઝોડું ત્રાટકશે

હાલ અરબી સમુદ્રમાં વેરાવળથી 900 કીલોમીટર દુર ડીપ્રેશન રચાયુ હોય 48 કલાકમાં જ વાવાઝોડારૂપી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમા 100 કિલોમીટરની ઝડપે પવન ફૂકાવાની સાથે ભારે વરસાદ પડવાની આગાહી થઈ છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે એક સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. હવામાનશાસ્ત્રીઓેએ આ વાવાઝોડાંને ‘વાયુ’ નામ આપ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, પવનની ગતિ પ્રતિ કલાક 80થી 100 કિમીની રહેવાની શક્યતા છે. આ દરમિયાન કેટલીક જગ્યાએ વરસાદ પડવાની પણ શક્યતા છે. વાવાઝોડાની શક્યતાને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકિનારાના વિસ્તારોમાં આર્મી, હવાઈદળ, કોસ્ટગાર્ડ, એનડીઆરએફ, એસડીઆરએફની ટુકડીઓેને સ્ટેન્ડબાય કરી દેવાઈ હોવાનું મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે જણાવ્યું હતું.
 
સોમવારે બપોરે એક વાગે ગુજરાતમાં વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં રાજ્યના દરિયાકાંઠાથી ૯૩૦ કિલોમીટર દૂર વાવાઝોડાની સ્થિતિ આકાર લઈ રહી હતી. અત્યારે ચક્રવાત ડિપ-ડિપ્રેશનની સ્થિતિમાં છે. આવતીકાલે ભારતીય હવામાન ખાતું વાવાઝોડા અંગે સ્થિતિ સ્પષ્ટ કરશે, એમ જણાવાઈ રહ્યું છે.  
 
ગુજરાત તરફ આવતા વાવાઝોડાના પગલે સોમવારે બપોરે મહેસૂલ અધિક મુખ્ય સચિવ પંકજકુમારના અધ્યક્ષસ્થાને તાકિદની ઉચ્ચ સ્તરિય કોસ્ટ ગાર્ડ, એનડીઆરએફ તેમજ સંબંધિત વિભાગોના અધિકારીઓ સામેલ થયા હતાં. હવામાન ખાતાના નિયામક જયંત સરકારે આ બેઠકમાં સંભવિત વાવાઝોડાની સ્થિતિ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી. એનડીઆરએફની ટીમો અત્યારે સ્ટેન્ડ-ટુ અવસ્થામાં રખાઈ છે.
 
આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.