શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 22 ફેબ્રુઆરી 2017 (12:40 IST)

ગુજરાતનું દેવું વધીને 2.14 લાખ કરોડ થયું

ગુજરાત સમૃધ્ધ રાજ્ય ગણાતું હોવા છતાં રાજ્ય સરકારને વિકાસ કામો માટે મોટી રકમનું દેવું કરવું પડે છે અને તે માટે હજારો કરોડ રૂપિયાનું વ્યાજ ચૂકવવું પડે છે. રાજ્ય સરકારે તેના 2017-18ના વર્ષ માટેના નવા બજેટની જાહેરાત કરી છે. બજેટમાં કહેવાયા મુજબ સરકારને વર્ષ દરમિયાન વિવિધ સ્ત્રોતમાંથી કુલ 1.71 લાખ કરોડની આવક થશે પરંતુ તેમાં 33,678 કરોડની આવક તો સરકાર દેવું કરીને મેળવવાની છે. 

જે ગુજરાત સરકારની કુલ થનારી આવકના 19.69 ટકા જેટલી છે. ચોંકાવનારી બાબત એ છે કે,ગુજરાત સરકારનું દેવું સતત વધતું જાય છે. 2015-16માં સરકારનું દેવું 1.80 લાખ કરોડ જેટલું હતું. જે 2016-17માં 1.96 લાખ કરોડ થઈ ગયું છે. આગામી 2017-18ના નાણાકીય વર્ષ દરમ્યાન તે વધીને કુલ રૂપિયા 2,14,688 કરોડને આંબી જશે. આમ તો નીતિ આયોગે દેશની દરેક રાજ્ય સરકારોને દેવું કરવાની મર્યાદા નક્કી કરેલી છે અને ગુજરાત સરકાર તે મર્યાદામાં રહીને જ દેવું કરે છે પરંતુ  તેના વ્યાજ પેટે રાજ્ય સરકારને બહુ મોટી રકમ ચૂકવવી પડે છે. 
જે બિન-વિકાસલક્ષી ખર્ચ સાબિત થાય છે. 2015-16માં રાજ્ય સરકારને દેવાના વ્યાજ પેટે 16,300 કરોડ, 2016-17 એટલે કે 31મી માર્ચ-2017ના રોજ વર્ષ પૂરું થશે ત્યાં સુધીમાં વ્યાજ પેટે 17,916 કરોડ ચૂકવવા પડશે અને આગામી 2017-18ના વર્ષમાં રાજ્ય સરકાર જે કુલ રૂપિયા 33,678 કરોડનું નવું દેવું કરશે અને તેના કારણે રાજ્યનું કુલ દેવું રૂપિયા 2.14 લાખ કરોડ સુધી પહોંચી જશે તેના વ્યાજ પેટે સરકારને રૂપિયા 19,337 કરોડ જેટલી માતબર રકમ ભરવી પડશે. રાજ્યના મહાનગરપાલિકાઓના કુલ બજેટથી પણ વધુ રકમ તો ગુજરાત સરકારને દેવાના વ્યાજ પેટે ચૂકવવી પડશે. ગુજરાત સરકારે ગત 2013-14ના વર્ષમાં 19,343 કરોડ, 2014-15માં 19,454 કરોડ, 2015-16માં 23,486 કરોડ અને 2016-17ના ચાલુ વર્ષ દરમિયાન 29,500 કરોડનું દેવું કર્યુ છે. આગામી વર્ષ 2017-18માં 33,678 કરોડનું દેવું કરવાનું સરકારે નક્કી કર્યું છે એટલે ગત પાંચ વર્ષમાં જ રાજ્ય સરકારનું વાર્ષિક દેવું વધીને બમણાં જેટલું થવાની તૈયારી છે.