1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 12 માર્ચ 2020 (14:16 IST)

ગુજરાતમાં દુષ્કર્મના રોજ સરેરાશ 4 કેસ: અમદાવાદમાં બે વર્ષમાં 397 સગીરા પર રેપ

એકતરફ 'સલામત ગુજરાત' નો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યાં છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં બળાત્કાર-સામુહિક બળાત્કારની કુલ 2723 ઘટના નોંધાઇ ચૂકી છે. આમ, ગુજરાતમાં દરરોજ સરેરાશ 4 મહિલાઓ બળાત્કારનો શિકાર બને છે. બળાત્કારની સૌથી વધુ 540 ઘટના અમદાવાદમાં નોંધાઇ છે. આ ઉપરાંત અમદાવાદમાં બળાત્કારનો શિકાર બની  તેમાંથી 6ની ઉંમર 5 વર્ષ સુધી  જ્યારે 391ની ઉંમર 6થી 18 વર્ષની છે.   ગુજરાતમાં 1 ડિસેમ્બર 2018થી 31 ડિસેમ્બર 2019 સુધી બળાત્કાર-સામુહિક બળાત્કાર-બળાત્કારના પ્રયાસ-સામુહિક બળાત્કાકના પ્રયાસની કેટલી ઘટના નોંધાઇ તે અંગે વિપક્ષ દ્વારા કરવામાં આવેલા સલાલના ઉત્તરમાં આ અંગેનો ખુલાસો થયો છે. જેના અનુસાર બે વર્ષમાં નોંધાયેલી બળાત્કાર-સામુહિક બળાત્કારની 2723 ઘટનામાંથી 992 માત્ર અમદાવાદ અને સુરત જિલ્લામાંથી નોંધાઇ છે. છેલ્લા બે વર્ષ દરમિયાન ડાંગમાંથી બળાત્કારના સૌથી ઓછા 9 કેસ નોધાયા છે. અમદાવાદ અને પાટનગર ગાંધીનગરમાં બળાત્કારના 560, સામુહિક બળાત્કારના 8 એમ કુલ 568 બનાવ નોંધાયા છે. આ પૈકી 6થી 18 વર્ષની બાળાઓ પર બળાત્કારના 397બનાવ નોંધાયા છે. કોંગ્રેસના દરિયાપુરના ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે જણાવ્યું હતું કે, 'અમદાવાદ શહેર-જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં મહિલાઓ પર બળાત્કારના 533, સામુહિક બળાત્કારના 7 જ્યારે ગાંધીનગર શહેર-જિલ્લામાં બળાત્કારના 27-સામુહિક બળાત્કારના 1 કેસ નોંધાયા છે. પાલનપુર ખાતે મજુરી ગુજરાન ચલાવતી અને રેલવે પ્લેટફોર્મ પર  રહેતી વિધવા મહિલાની ચાર વર્ષની માસુમ બાળકી પર થયેલી બળાત્કારની ઘટનાને 10 દિવસનો સમય થયો હોવા છતાં હજુ સુધી આરોપીઓ પકડાયા નથી તે ચિંતાની બાબત છે. '  છેલ્લા બે વર્ષમાં બળાત્કાર કરવાના ગુના બદલ કુલ 653ની ધરપકડ કરવામાં આવી છે અને 23ની ધરપકડ હજુ કરવાની બાકી છે. જેમની ધરપકડ બાકી છે તેમની સામે કયા પગલા લેવામાં આવ્યા તેના અંગે સરકારે ઉત્તર આપ્યો છે કે, 10 આરોપીની ધરપકડ સામે કોર્ટનો મનાઇ હૂકમ છે. જ્યારે અન્ય કિસ્સામાં રહેણાંક-મિત્ર વર્તુળ-સગા સંબંધી તથા મળી આવવાની સંભવિત જગ્યાઓ પર તપાસ કરી ગુનેગારોની કોલ ડીટેઇલની તપાસની તજવીજ કરાવી પકડી પાડવાની કાર્યવાહી જારી છે.