શુક્રવાર, 29 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By

માનો યા ના માનો! ગુજરાતમાં 6.15 કરોડ લોકો ‘ડોર-ટુ-ડોર’ સર્વે પૂર્ણ

ગુજરાતમાં કોરોનાના કહેર વચ્ચે રાજય સરકારે તેના પર કાબુ મેળવવા તથા તેનો ફેલાવો રોકવા માટે ‘ડોર-ટુ-ડોર’ સર્વેની વિરાટ કામગીરી શરૂ કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે સરકારે સવા છ કરોડ લોકોનો સર્વે પણ કરી નાખ્યો છે. આ વાત નવાઈ પમાડનારી છે. કોંગ્રેસે પણ સવાલ કર્યો છે ઉપરાંત લોકોમાં પણ અનેકવિધ ચર્ચા થઈ રહી છે.
રાજય સરકારે માત્ર ગણતરીના દિવસોમાં સવા છ કરોડ લોકોનો ડોર-ટુ-ડોર સર્વે કરી લીધો તે વાત પણ નવાઈજનક જ છે. રસપ્રદ વાત એ છે કે કોરોના વાઈરસનો સંપૂર્ણ ખાત્મો ન થાય ત્યાં સુધી દર 15 દિવસે આ પ્રકારની ડોર-ટુ-ડોર સર્વેની કામગીરી કરવામાં આવનાર છે. રાજયના નાયબ મુખ્યમંત્રી નીતીન પટેલે જણાવ્યું હતું કે આરોગ્ય વિભાગે લગભગ સમગ્ર રાજયમાં ડોર-ટુ-ડોર સર્વે પૂર્ણ કરી લીધો છે. કોરોનાને ફેલાતો રોકડાના શકય તમામ પગલા લેવામાં આવ્યા છે.
આ સર્વે હાઉસ-ટુ-હાઉસ અથવા ફોન મારફત કરવામાં આવ્યો હતો. આરોગ્ય સચિવ જયંતિ રવિએ કહ્યું કે દરરોજ 99 લાખ લોકોને સર્વે હેઠળ આવરી લેવાયા હતા. આરોગ્ય વિભાગ ઉપરાંત સરકારી એજન્સી તથા કોલ સેન્ટરોને પણ તેમાં સામેલ કરાયા હતા. કોરાનાનો સંપૂર્ણ ખાત્મો ન થાય ત્યાં સુધી આ પ્રકારના સર્વે જારી રહેશે. ગઈકાલ સાંજ સુધીમાં રાજયમાં 6.15 કરોડ લોકોનો સર્વે પૂર્ણ થયો હતો. 59000 આરોગ્ય કર્મચારી ઉપરાંત આશા વર્કરો, મહેસુલી કર્મચારી, શિક્ષકોને પણ તેમાં જોડવામાં આવ્યા હતા.
રાજય સરકારના આ દાવાને કોંગ્રેસે પડકાર્યો છે. વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ કહ્યું કે અમરેલીમાં કયાંય કોઈ આરોગ્ય કર્મચારી કે સર્વે કામગીરી જોવા મળી નથી. સરકાર માત્ર દાવા કરી રહી છે. કોઈ અર્થસભર કાર્યવાહી થઈ નથી. સર્વેનો સમયગાળો ભલે લાંબો ચાલે પરંતુ નકકર હોવી જોઈએ.
આરોગ્ય વિભાગના સૂત્રોએ કહ્યું કે અર્ધો ડઝનથી વધુ સવાલ પૂછીને લોકોને સર્વે કરવામાં આવ્યો છે. ઉધરસ છે, તાવ છે, શરદી છે, શ્ર્વાસ લેવામાં તકલીફ કે તેને લગતી બિમારી છે, આંતરરાજય કે આંતરરાષ્ટ્રીય પ્રવાસ કર્યો છે, શરદી-ઉધરસ, તાવના એક સાથે લક્ષણો છે, આ લક્ષણો હળવા છે કે વધુ જેવા સવાલો સાથેના ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.
રાજકોટ જીલ્લા આરોગ્ય અધિકારી ડો. મિતેશ ભંડેરીએ જણાવ્યું હતું કે રાજકોટ શહેર-જીલ્લામાં 28 લાખથી વધુ લોકોનો સર્વે પૂર્ણ કરી લેવામાં આવ્યો છે. રાજકોટ શહેરમાં 12 લાખથી વધુ તથા જીલ્લામાં 16.29 લાખ લોકોનો સર્વે પૂર્ણ થયો છે, અર્ધો ડઝનથી વધુ સવાલો સાથેની પ્રશ્નોતરીવાળા ફોર્મ ભરાવવામાં આવ્યા હતા.માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે કે રાજકોટ જીલ્લાની કુલ વસ્તી અંદાજીત 32 લાખની છે. સર્વે કામગીરી હવે અંતિમ દોરમાં છે.