સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: અમદાવાદઃ , શનિવાર, 2 સપ્ટેમ્બર 2023 (19:38 IST)

ગુજરાત પોલીસે ચાલુ વર્ષે જ છેલ્લા પાંચ વર્ષમાં ફરાર થયેલા 2789 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા, જાણો સૌથી વધુ ક્યાં પકડાયા

gujarat police
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરે 72 આરોપીઓને પાસા હેઠળ પકડી રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી દીધા
 
 ગુજરાતમાં ગુનો કર્યા બાદ આરોપીઓ પોલીસ પકડમાં આવતા નથી અને ફરાર થઈ જતાં હોય છે. જો તેમને પકડી પાડવામાં ના આવે તો ફરીવાર તેઓ ગુનો કરતાં હોય છે. જેથી રાજયના પોલીસ વડા વિકાસ સહાયે આ અંગેની સમીક્ષા કરતાં પોલીસે ચાલુ વર્ષે જ છેલ્લા પાંચ વર્ષમાં ગુનો કરીને ફરાર થઈ ગયેલા 2789 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા છે. જેમાં ખાસ કરીને 5 વર્ષ કે તેથી વધુ સમયથી ફરાર હોય તેવા 612 અને 2 થી 5 વર્ષ સુધીના સમયથી ફરાર થયેલા 626 આરોપીઓને પકડી પાડવામાં સફળતા મળી છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા હાલમાં નાસતાં ફરતાં આરોપીઓને પકડવા અંગેની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. જેમાં રાજયમાં ઘણા આરોપીઓ ફરાર હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી આ બાબતને ગંભીરતાથી લઇને, આવા આરોપીઓને પકડી પાડવાની કામગીરી તાત્કાલીક સતેજ કરવા પોલીસ વિભાગને સૂચના આપવામાં આવી હતી.
 
ઝુંબેશ સખ્તાઇથી ચાલુ રાખવા રાજ્ય પોલીસ વડાનો આદેશ
પોલીસ વડાની સૂચનાને આધારે રાજ્યની પોલીસે નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સક્રિયતા દાખવી હતી. જેમાં ચાલુ વર્ષે જ 2789 જેટલા આરોપીઓને ઝડપી પાડ્યા હતાં. જેમાં ખૂન, ખૂનની કોશિષ, ખંડણી, લૂંટ, સમાજમાં ભય/આતંકનો માહોલ ઉભો કરનાર તથા શરીર સંબંધી ગંભીર પ્રકારના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને પકડવાની સૂચના મળતાં પોલીસે 2789 આરોપીઓને પકડી પાડ્યા છે. જેમાં અમદાવાદ શહેરમાં 174, સુરત શહેરમાં 250, રાજકોટ શહેરમાં 131, સાબરકાંઠામાં 104, પંચમહાલ-ગોધરામાં 106, દાહોદમાં 270, સુરત ગ્રામ્યમાં 100, વલસાડમાં 122, બનાસકાંઠામાં 276 આરોપીઓનો સમાવેશ થાય છે. આ સમય દરમ્યાન અનેક વર્ષોથી ફરાર આરોપીઓને ઝડપી પાડવામાં આવેલ છે. જેમાં 5 વર્ષ કે તેથી વધુ સમયથી ફરાર હોય તેવા 612 અને 2 થી 5  વર્ષ સુધીના સમયથી ફરાર 626 આરોપીઓને પકડી પાડવામાં આવ્યાં છે. અગામી સમયમાં પણ નાસતા ફરતા આરોપીઓને શોધવાની ઝુંબેશ સખ્તાઇથી ચાલુ રાખવા રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા સુચના આપવામાં આવી છે. 
 
અમદાવાદ શહેર કમિશ્નરે 72 આરોપીઓને પાસા હેઠળ પકડ્યા
અમદાવાદમાં ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે નવા નિમાયેલા પોલીસ કમિશ્નર જી.એસ. મલિકે શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પહેલી ઓગસ્ટથી 31 ઓગસ્ટ સુધીમાં ગુનાહિત પ્રવૃત્તિઓ આચરનારા આરોપીઓને પાસા હેઠળ પકડીને તેમને રાજ્યની જુદી જુદી જેલોમાં મોકલી દીધા છે. જેમાં શરીર સંબંધી 8, મિલ્કત સંબંધી 06 અને પ્રોહિબિશન અંતર્ગત 7 મળીને કુલ 21 આરોપીઓને વડોદરાની જેલમાં મોકલી આપવામાં આવ્યાં છે. આ પ્રકારે ભુજની જેલમાં 20, રાજકોટની જેલમાં 16 અને સુરતની જેલમાં 15 આરોપીઓને મોકલી દેવાયાં છે. આ આરોપીઓમાં શરીર સંબંધી ગુનાઓમાં 29, મિલ્કત સંબંધી ગુનાઓમાં 22 અને પ્રોહિબિશન અંતર્ગતના ગુનાઓમાં 21 મળી કુલ 72 આરોપીઓને ગુજરાતની વિવિધ જેલોમાં મોકલાયા છે.