1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2024 (13:31 IST)

ગુજરાતની પ્રી-પેઈડ સ્માર્ટ મીટરની યોજનાને હાઇકોર્ટમાં પડકારાઈ

મધ્ય ગુજરાત વિજ કંપની લી. દ્વારા જુના ઈલેક્ટ્રિસિટી મીટર કાઢીને નવા પ્રી પેઈડ મીટર લગાડવાની શરુ કરાયેલી કાર્યવાહીનો ચોમેર વિરોધ થઈ રહયો છે. આ યોજનાના અમલ સામે કાયદાકીય રીતે વિરોધ નોંધાવી રહેલાં બાજવાના એક નાગરિકે એમ.જી.વી.સી.એલ.ના મેનેજિંગ ડાયરેક્ટર, કેન્દ્રની મિનિસ્ટ્રી ઓફ પાવરના સેક્રેટરી વિગેરે સામે ગુજરાત હાઈકોર્ટમાં પાર્ટી ઈન પર્સન તરીકે યાચિકા દાખલ કરી છે.

ભારત દેશના સંવિધાનની કલમ 14 તથા આર્ટિકલ 226 તથા ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003ની કલમ 47ની પેટા કલમ 5 અને ઈલેક્ટ્રિસિટી સપ્લાય એક્ટ વિગેરે કાયદાઓની જોગવાઈઓ અન્વયે ડાયરેક્શન તેમજ ડિક્લેરેશન માટે સ્પેશિયલ સિવીલ એપ્લિકેશન અન્વયે રજુઆત કરી છે. શહેરના કરોડિયા બાજવા રોડ વિસ્તારમાં રહેતાં વાસુદેવ કનૈયાલાલ ઠકકરે યાચિકામાં જણાવ્યું છે કે, તા.18મી મેના રોજ એમ.જી.વી.સી.એલ. તરફથી એક ઈમેલ આવ્યો હતો. જેમાં લખ્યુ હતુ કે હયાત વિજ મીટરો દૂર કરીને તેની જગ્યાએ પ્રી પેઈડ મીટરો ઈન્સ્ટોલ કરવામાં આવશે. આમ કરવા માટે સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઈન્સ્ટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશનના એમેન્ડમેન્ટના જાહેરનામાનો સંદર્ભ લીધો હતો. ભારત દેશની પાર્લામેન્ટના બંન્ને હાઉસમાં તા.7મી ફેબ્રુઆરી 2019થી તા.7મી ફેબ્રુઆરી 2024 વચ્ચેના સમયગાળામાં પસાર કરાયેલા કુલ 240 બીલ તથા સુધારા બીલ પૈકીના એપ પણ બીલ કે સુધારા બીલમાં સેન્ટ્રલ ઈલેક્ટ્રિસિટી ઓથોરિટીના ઈન્સટોલેશન એન્ડ ઓપરેશન ઓફ મીટર રેગ્યુલેશન 2006ના તારીખ 23મી ડિસેમ્બર 2019ના એમેન્ડમેન્ટ ઓફ મીટર રેગ્યુલેશન 2006ના એમેન્ડમેન્ટને પાર્લામેન્ટની મંજુરી મળી હોવાનું જણાઈ આવતુ નથી. તા.31મી ડિસેમ્બર 2020ના રોજ અમલમાં લાવવામાં આવેલ રુલ્સમાં પણ પ્રી પેઈડ સ્માર્ટ મીટર ફરજિયાતપણે ઈન્સ્ટોલ કરવાનું દર્શાવ્યું નથી. દેશના તમામ ચીફ સેક્રેટરીને પ્રી પેઈડ સ્માર્ટ મીટરો લગાવવા માટેની સૂચના સાથેનો કોન્સેપ્ટ દર્શાવ્યો છે.