રૂ'પાણી' સરકારની નજર પાણી પર, ગુજરાતમાં મોંઘુ થશે નર્મદાનું પાણી

sauni yojna
Last Modified શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (11:41 IST)
ગુજરાતની રૂપાણી સરકાર દ્વારા હવે નર્મદાના પીવાના પાણી તથા ઔદ્યોગિક વપરાશ માટે વાપરવામાં આવતા પાણીના ભાવમાં વધારો કરવાનો નિર્ણય લેવા જઈ રહી છે, જેમાં માર્ચ 2021થી પીવાના પાણીમાં 1000 લિટરે 38 પૈસા અને ઔદ્યોગિક વપરાશના પાણી પર 3.13 રૂપિયાનો વધારો કરાશે.

ગુજરાતમાં નર્મદા કેનાલના પાણીનો વપરાશ કરતાં ગ્રાહકોએ વધારાનો દર ચૂકવવો પડી શકે છે. નર્મદાનું પાણી પીવા અને ઉદ્યોગો માટે અપાય છે. હાલ માર્ચ 2021 સુધી નર્મદા નિગમે પીવા માટેના દર પ્રતિ 1000 લિટરે 3.80 રૂપિયા અને ઔદ્યોગિક વપરાશ માટેના દર પ્રતિ 1000 લિટરે 31.38 રૂપિયા રાખ્યા છે.

ગુજરાતમાં 2006-07ના વર્ષમાં જ્યારે પ્રથમ વખત દરો નિયત કરવામાં આવ્યા હતા ત્યારે પીવાના પાણી માટે એક રૂપિયો અને ઔદ્યોગિક વપરાશ માટે 10 રૂપિયા રાખવામાં આવ્યા હતા. 2014-15માં આ દરો અનુક્રમે 2.14 રૂપિયા અને 17.72 રૂપિયા થયાં હતા.

નર્મદા નિગમના સૂત્રોએ જણાવ્યું હતું કે નર્મદાના પાણીના દરમાં પ્રત્યેક નાણાકીય વર્ષના અંતે 10 ટકાનો વધારો કરવામાં આવે છે.ગુજરાતમાં જ્યાં નર્મદાની મુખ્ય કેનાલ અને સબ કેનાલો આવેલી છે ત્યાંથી લોકોને પાણી વિતરણ કરવામાં આવે છે. આ જવાબદારી પાણી પુરવઠા વિભાગ અને તેને સંલગ્ન એજન્સીઓએ ઉપાડેલી છે. ખુદ નર્મદા વિભાગ પાણીનું વિતરણ કરતું નથી. નર્મદા નિગમે પાણીના દરો સુનિશ્ચિત કરવા માટે 6ઠ્ઠી માર્ચના રોજ એક પરિપત્ર ઇસ્યુ કર્યો હતો.


આ પણ વાંચો :