બુધવાર, 29 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 ડિસેમ્બર 2017 (13:17 IST)

ગુજરાતના ૨૦માંથી ૧૮ મંત્રીઓ કરોડપતિ, ૩ સામે ગુનો પણ નોંધાયેલો છે

મુખ્યમંત્રી વિજય રૃપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાતના ૨૦ નવા મંત્રીઓએ શપથ લઇ લીધા છે. ગુજરાતના નવા ૨૦માંથી ૯ મંત્રીઓ માંડ ૧૨મું ધોરણ પાસ છે. આ ઉપરાંત ૨૦માંથી ૧૮ એટલે કે સરેરાશ ૯૦% મંત્રીઓ કરોડપતિઓ છે જ્યારે ૩ સામે પોલીસના ચોપડે ગુનો નોંધાયેલો છે. ગુજરાતના નવા મંત્રીમંડળમાં ૧૭ મંત્રીઓની ઉંમર ૫૧થી ૭૦ વર્ષ વચ્ચે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી અગાઉ ચૂંટણી પંચ સમક્ષ રજૂ કરવામાં આવેલી એફિડેવિટના આધારે એસોસિયેશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ (એડીઆર) દ્વારા ગુજરાતના આ નવા મંત્રીઓના શિક્ષણ-સંપત્તિ-ગુના અંગેનો અહેવાલ તૈયાર કરવામાં આવ્યો છે. જેના આધારે જોવામાં આવે તો ગુજરાતના ત્રણ મંત્રીઓ પરષોત્તમ સોલંકી, જયેશ રાદડિયા, પ્રદીપસિંહ જાડેજાને નામે ગુનો નોંધાયેલો છે. શિક્ષણની વાત કરવામાં આવે તો ૯ મંત્રીઓ ધોરણ ૫ થી ધોરણ ૧૨ સુધીનો અભ્યાસ કર્યો છે. ૧૦ મંત્રીઓએ ગ્રેજ્યુએટ કે તેથી વધુનો અને ૧ મંત્રીએ ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રોનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. મંત્રીમંડળમાં ઉંમરની અડધી સદી વટાવી ચૂકેલાઓનું પ્રમાણ ૮૫% છે. માત્ર ૩ જ મંત્રી એવા છે જેઓ ૩૧ થી ૫૦ની ઉંમર ધરાવે છે. સંપત્તિની વાત કરવામાં આવે તો તેમાં સૌરભ પટેલ મોખરે છે, તેઓ ૧૨૩ કરોડથી વધુની સંપત્તિ ધરાવે છે. મુખ્યમંત્રી વિજય રૃપાણી પાસે રૃ. ૯.૦૯ કરોડની અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પાસે રૃ. ૮.૪૯ કરોડની સંપત્તિ છે. આમ, ગુજરાતના નવનિયુક્ત મંત્રીઓ સરેરાશ ૧૩.૩૪ કરોડની સંપત્તિ ધરાવે છે.  

સૌથી વધુ સંપત્તિ ધરાવતા મંત્રી 
મંત્રી કુલ મિલકત 
સૌરભ પટેલ રૃ. ૧૨૩.૭૮ કરોડ 
પરષોત્તમ સોલંકી રૃ. ૪૫.૯૯ કરોડ 
જયેશ રાદડિયા રૃ. ૨૮.૫૩ કરોડ 
વિજય રૃપાણી રૃ. ૯.૦૯ કરોડ 
નીતિન પટેલ રૃ. ૮.૪૯ કરોડ 
સૌથી વધુ જવાબદારી ધરાવતા મંત્રી 
મંત્રી જવાબદારી 
જયેશ રાદડિયા રૃ. ૧૬.૦૪ કરોડ 
પરષોત્તમ સોલંકી રૃ. ૬. ૬૧ કરોડ 
કૌશિક પટેલ રૃ. ૧.૪૪ કરોડ 
વિજય રૃપાણી રૃ. ૮૩.૦૧ લાખ 
કિશોર કાનાણી રૃ. ૮૨.૧૩ લાખ