સ્ટાર્ટ અપ માટે વિદ્યાર્થીઓએ મુકી દરખાસ્ત - માત્ર 12000 રૃપિયામાં મળે તેવુ હાર્ટસ્ટેન્ટ
ભારત સરકાર દ્વારા અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓને સંશોધનકાર્યમાં મદદરૃપ થઈ પોતાના સ્વરોજગાર ઉભા કરવામાં ઉપયોગી થવા માટે જે સ્ટાર્ટ-અપ યોજના શરૃ કરવામાં આવી છે તેના માટે સૌરાષ્ટ્ર યુનિ.નાં યુવા સંશોધકો માટે રૃા ૫ કરોડની જે ગ્રાન્ટ મંજૂર થઈ છે તેમાં સૌ પ્રથમ સાયન્સના વિદ્યાર્થીઓ દ્વારા નવા ઈનોવેશન માટેની દરખાસ્તો આવી છે જેમાં હૃદયરોગની બિમારીમાં વપરાતા મોંઘા સ્ટેન્ટને સસ્તી કિંમતે કઈ રીતે બનાવી શકાય! તેની દરખાસ્ત વિદ્યાર્થીઓ દ્વારા મુકવામાં આવી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં સ્ટાર્ટઅપ યોજના હેઠળ જે વિદ્યાર્થીઓની ઈનોવેશન માટેની દરખાસ્તો આવી હતી. તેની સમીક્ષા માટે ગઈકાલે બેઠક યોજાઇ હતી. જેમાં ભારત સરકાર દ્વારા પ્રથમ તબક્કામાં જે રૃા ૫૦ લાખ મળ્યા છે તેના ઉપયોગની કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ દ્વારા ઈનોવેશનની જે દરખાસ્ત આપી છે તેમાં સાયન્સના વિદ્યાર્થીઓની દરખાસ્ત શરૃ થઈ છે હજુ આર્ટસ, કોમર્સ, મેનેજમેન્ટ, ઈલેકટ્રોનિકસ, બાયોસાયન્સ, લો કે ઈકોનોમિકસના વિદ્યાર્થીઓની એક પણ દરખાસ્ત મળી નથી. ઈનોવેશન પ્રોજેકટ દ્વારા વિદ્યાર્થીને સ્વનિર્ભર બનાવી કઈ રીતે ઉદ્યોગ સાહસિક બતાવી શકાય! તેના માટે સેમિનાર યોજવાનો નિર્ણય આ બેઠકમાં લેવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓની ઈનોવેશન દરખાસ્ત સંદર્ભે જણાવાયું હતું કે, અર્પિત રાદડીયા નામના વિદ્યાર્થી દ્વારા સસ્તીકિંમતના હાર્ટસ્ટેન્ટ પ્રેસીયસ મેટલની મદદથી બનાવવાની દરખાસ્ત આપી છે જેના કારણે અત્યારે બજારમાં મળતા અંદાજે દોઢ લાખ રૃા.ના હાર્ટસ્ટેન્ટ માત્ર ૧૨ હજારમાં મળી શકશે. જયદીપ રાજપરા નામના વિદ્યાર્થીએ કેન્સર વિરોધી દવાની શોધ માટે દરખાસ્ત કરી છે નેનો મટીરીયલ્સની મદદથી આ દવા વધુ સસ્તી અને અસરકારક પુરવાર થશે એ જ રીતે મોબાઈલ ફોન ઉપર કયારે પણ સ્ક્રેચ ન પડે તેવા કેમીકલ્સની શોધ માટે પણ મોડીફાઈડ મટીરીયલ્સ શોધવાનો પ્રયાસ રજુ કરાયો છે. અત્યારે એન્જીનીયરીંગ, કેમીસ્ટ્રી, મેટલર્જી ક્ષેત્રમાંથી દરખાસ્ત મેળવવામાં આવી છે હવે સૌરાષ્ટ્રની જુદી જુદી કોલેજના વિદ્યાર્થીઓને જોડવા અને આ યોજનાની જાણકારી આપવા સેમિનારની શ્રૃંખલા શરૃ કરવામાં આવનાર હોવાનું જણાવાયું હતું.