શુક્રવાર, 19 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 26 માર્ચ 2018 (12:00 IST)

પાણીનો કકળાટ, 250 કરોડ લીટર પાણી વહી ગયા બાદ નઘરોળ તંત્ર જાગ્યું

રાજકોટના સૂર્યારામપરા પાસે સૌની યોજનાનો વાલ્વ લીક થતાં દશ દિવસથી કરોડો લિટર પાણીનો વેડફાટ થયો હતો. ગામનું તળાવ છલોછલ પાણીથી હિલોળે ચડ્યું હતું, વાલ્વ રિપેર કરવા માટેના તમામ પ્રયાસો નિષ્ફળ જતાં સિંચાઇ વિભાગે તળાવનો પાળો તોડવો પડ્યો હતો, વાલ્વ રિપેરિંગ માટે ફાયરબ્રિગેડના ડાઇવરો 20 ફૂટ ઉંડે પાણીમાં જઇ રિપેરિંગની કામગીરી કરી હતી, પરંતુ રવિવારની આખીરાત કામગીરી ચાલવા છતાં સવારે વાલ્વ રિપેર થશે કે કેમ તેની શંકા છે. જોકે ત્યાં સુધીમાં કરોડો લિટર પાણીનો વેડફાટ થઇ ચૂક્યો હતો. સિંચાઇ વિભાગે વાલ્વ તોડવાના મુદ્દે અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. સૌની યોજના હેઠળ રાજકોટ આજી ડેમમાં ઠલવાતું નર્મદાનું પાણી રાજકોટને પૂરતા પ્રમાણમાં મળતું નથી, અને રાજકોટ-વાંકાનેર રોડ પર આવેલા સૂર્યારામપરા ગામમાં 11 દિવસથી વાલ્વ તૂટવાને કારણે ગામનું તળાવ છલકાઇ રહ્યું છે અને કરોડો લિટર પાણીનો જથ્થો વેડફાયાનો અહેવાલ માધ્યમોમાં પ્રસિધ્ધ થતાં હોબાળો મચી ગયો હતો. સિંચાઇ વિભાગની ગંભીર લાપરવાહી સામે આવતાં જ ગાંધીનગરથી સૂચનાઓના ધોધ છૂટ્યા હતા અને રવિવાર સવારથી જ સિંચાઇ વિભાગના અધિકારીઓ-સ્ટાફનો કાફલો સૂર્યારામપરા પહોંચ્યો હતો. વાલ્વ રિપેર કરવા માટેના પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ પાણીનો પ્રવાહ ચાલુ હોય અને વાલ્વની ઉપર 10 ફૂટ પાણી વહી રહ્યું હોય રિપેરિંગ સંભવ બન્યું નહોતું. રઘવાયા થયેલા સિંચાઇ વિભાગના અધિકારીઓએ અંતે તળાવનો પાળો તોડી પાણી વહેવડાવી પાણીનું લેવલ નીચે કરવાનો પ્લાન ગ્રામજનો સમક્ષ મૂક્યો હતો, આ મુદ્દે ગ્રામજનો સાથે બબાલ થયા બાદ અંતે તળાવનો પાળો તોડવાની કામગીરી કરવામાં આવી હતી અને ફરીથી કરોડો લિટર પાણી વહેવડાવ્યા બાદ ક્ષતિ યુક્ત વાલ્વ બહાર કાઢી તેની બાજુમાં નવો વાલ્વ ફિટ કરી પાણીનું લીકેજ અટકાવવામાં આવ્યું હતું.