મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 21 ફેબ્રુઆરી 2018 (17:03 IST)

મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં ૬,૯૦,૪૨૩ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી

શાળામાં અભ્યાસ કરતા બાળકોના આરોગ્યની જાળવણી માટે રાજ્ય સરકાર દ્વરા વ્યાપક રીતે ચલાવવામાં આવી રહેલા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ હેઠળ છેલ્લા એક વર્ષમાં મહેસાણા અને ગાંધીનગર જિલ્લામાં કુલ ૬,૯૦,૪૨૩ બાળકોના આરોગ્યની ચકાસણી કરવામાં આવી હતી. વિસનગરના ધારસભ્ય ઋષિકેશ પટેલ અને ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય શંભુજી ઠાકોર દ્વારા શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ બાબતે પુછવામાં આવેલા લેખીત પ્રશ્નોના પ્રત્યુત્તર પાઠવતા નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે જણાવ્યું હતું કે, મહેસાણા જિલ્લામાં તા.૩૧.૧૨.૨૦૧૭ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં ધોરણ-૧ થી ૧૨માં અભ્યાસ કરતા ૭,૭૫,૪૮૦ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી.

વર્ષ ૨૦૧૬માં ૩,૯૪,૩૯૯ બાળકો તથા વર્ષ-૨૦૧૭માં ૩,૮૧,૦૮૧ બાળકોને ચકાસવામાં આવ્યા હતા. તે પૈકી ૨૦૧૬માં ૨૪,૭૨૧ બાળકોને સ્થળ પર સારવાર અપાઇ હતી જ્યારે ૮૭૧ બાળકોને નજીકની હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવ્યા હતા. જ્યારે ૨૦૧૭ દરમિયાન ૩૭,૬૫૩ બાળકોને સ્થળ પર સારવાર અપાઇ હતી અને ૭૫૨ બાળકોને નજીકની હોસ્પિટલમાં રીફર કરાયા હતા. આ યોજના હેઠળ બે વર્ષમાં કુલ રૂ.૨૨,૮૦,૦૦૦ નો ખર્ચ થયો હતો.
ગાંધીનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં કુલ ૩,૦૯,૩૪૨ બાળકોને શાળા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યા હતા. તે પૈકી ૨૪,૧૧૮ બાળકોમાં મુખ્યત્વે પાંડુરોગ, આંત્રકૃમિ, દાંત, આંખ, કાન, નાક અને ગળાની તકલીફ તથા ચામડીની બિમારીઓ જણાઇ આવી હતી. જ્યારે ૧૭૨ બાળકોને હ્રદય રોગની સઘન સારવાર માટે યુ.એન.મહેતા ઇન્સ્ટ્રીટયુટ ઓફ કાર્ડિયોલોજી એન્ડ રીસર્ચ સેન્ટર, અમદાવાદ ખાતે મોકલી અપાયા હતા.