બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 જૂન 2018 (12:08 IST)

જળસંચય અભિયાનનાં બાકી રહેલા કામો ૮મી જુન સુધીમાં પૂર્ણ કરાશે

વરસાદી પાણીનો સંગ્રહ થાય તે માટે સરકારે ૧લી મેથી જળસંચય અભિયાન ચાલુ કર્યું હતું. જે ૩૧મીનાં રોજ પૂર્ણ થયું હતું. અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે મુખ્યમંત્રી વિજય રૃપાણીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે જળસંચય અભિયાનના બાકી રહેલા કામો ૮મી જુન સુધીમાં પૂર્ણ કરાશે. રાજ્યની પ્રજાએ તળાવો ઊંડા કરવા જન ભાગીદારી સ્વરૃપે નિતારેલો પરસેવો પારસમણી પુરવાર થવાનો છે. લાખો ઘનફૂટ માટી ખોદીને ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણી સંગ્રહ કરવાની ક્ષમતા ઊભી થશે. ખોદાયેલી માટી ખેતરોમાં ખાળાઓ ઉપર નાખી છે તેથી પાણી બચવાની સાથે ખેત ઉત્પાદન પણ વધશે. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે ૫૫૦૦ કી.મી. કેનાલોની સફાઇ કરાઇ છે. આમછતાં કેટલાક લોકો વિરોધ કરવાની માનસિકતાથી પીડાઇને ધડમાથા વગરના આક્ષેપો કરી રહ્યા છે. જળસંચયના રૃા. ૨૦૦ કરોડના કામો સામે રૃા. ૨૪૦૦ કરોડના ભ્રષ્ટાચારનાં આક્ષેપો કરે છે. જેમાં કોઇ જ તથ્ય નથી. કોંગ્રેસને સપનામાં પણ કૌભાંડો જ આવે છે. ભવિષ્યની આપણી પેઢીને દુષ્કાળનો સામનો ન કરવો પડે તેવા હેતુથી જળસંચયનું અભિયાન હાથ ધરાયું હતું. જ્યારે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મહેસાણા ખાતે સમાપન પ્રસંગે જણાવ્યું હતું કે, આગોતરા આયોજનને પરિણામે રાજ્યમાં કોઇપણ જગ્યાએ પીવાના પાણીની તંગી ઊભી થઇ નથી. રાજ્યમાં ૯૦ ટકા ઉનાળો પૂરો થવા આવ્યો છતાં આજે પણ સરકાર ઘરે ઘરે અને ખેતરો સુધી પાણી પહોંચાડી રહી છે. મહેસાણા જિલ્લો, ધરોઇ, નર્મદા, સુજલામ સુફલામ, ચેકડેમો બનાવવા સહિતના જળસંચયમાં અગ્રેસર રહ્યો છે.